Sabudana Vada: શ્રાવણ વ્રત માટે બનાવો બિલકુલ તેલ ના રહે તેવા ફરાળી સાબુદાણા વડા, જાણો સરળ રેસીપી

શ્રાવણ વ્રત માટે ઘરે બનાવો ક્રિસ્પી અને ટેસ્ટી ફરાળી સાબુદાણા વડા. જાણો સાબુદાણા વડા બનાવવા માટેની સામગ્રી, સરળ રીત અને ખાસ ટીપ્સ સાથે સંપૂર્ણ રેસીપી.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Thu, 13 Aug 2026 11:11 AM (IST)Updated: Thu, 13 Aug 2026 11:11 AM (IST)
crispy-sabudana-vada-recipe-for-shravan-vrat-easy-fasting-recipe

Sabudana Vada Recipe: શ્રાવણ મહિનામાં ઉપવાસ દરમિયાન સાબુદાણામાંથી બનતી વાનગીઓ સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. સાબુદાણાની ખીચડી, ખીર અને વડા લગભગ દરેક ઘરમાં બનાવવામાં આવે છે. આજે અમે તમને એવા ફરાળી સાબુદાણા વડાની રેસીપી જણાવીશું જે બહારથી એકદમ કરકરા અને અંદરથી સોફ્ટ બને છે. ખાસ વાત એ છે કે આ વડા ખૂબ ઓછા તેલમાં તૈયાર થઈ જાય છે.

ફરાળી સાબુદાણા વડા બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ સાબુદાણા
  • 2 બાફેલા બટાકા
  • ½ કપ શેકેલા સીંગદાણાનો ભૂકો
  • 2 લીલા મરચાં ઝીણા સમારેલા
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી લીંબુનો રસ
  • 2 ચમચી લીલા ધાણા
  • સિંધવ મીઠું સ્વાદ મુજબ
  • 1 ચમચી ઘી અથવા થોડું તેલ

સાબુદાણા વડા બનાવવાના માટેની રેસીપી

સૌપ્રથમ સાબુદાણાને સારી રીતે ધોઈને 4થી 5 કલાક માટે પલાળી રાખો. ત્યારબાદ વધારાનું પાણી કાઢી લો. હવે એક મોટા બાઉલમાં પલાળેલા સાબુદાણા, બાફેલા અને મેશ કરેલા બટાકા, સીંગદાણાનો ભૂકો, લીલા મરચાં, જીરું, લીંબુનો રસ, લીલા ધાણા અને સિંધવ મીઠું ઉમેરી બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરો.

તૈયાર મિશ્રણમાંથી નાના-નાના વડા બનાવો. એર ફ્રાયરને 180 ડિગ્રી પર પ્રીહીટ કરો અને વડા પર હળવેથી ઘી અથવા તેલ બ્રશ કરો. હવે તેને 12થી 15 મિનિટ સુધી એર ફ્રાય કરો. વચ્ચે એકવાર પલટાવી દો જેથી બંને બાજુ સરખા ક્રિસ્પી બને.

જો એર ફ્રાયર ન હોય તો નોન-સ્ટિક તવા પર પણ ખૂબ ઓછા તેલમાં આ વડા બનાવી શકાય છે. ગરમાગરમ સાબુદાણા વડાને ફરાળી લીલી ચટણી અથવા દહીં સાથે સર્વ કરો.

સાબુદાણા વડા બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો

  • સાબુદાણાને વધુ પાણીમાં પલાળશો નહીં.
  • મિશ્રણ ઢીલું લાગે તો સીંગદાણાનો ભૂકો ઉમેરી શકો છો.
  • વડા ધીમા તાપે શેકવાથી વધુ કરકરા બને છે.
  • ઉપવાસ માટે સિંધવ મીઠાનો જ ઉપયોગ કરો.

આ સરળ રેસીપીથી તમે શ્રાવણ વ્રત દરમિયાન ઘરે જ બજાર જેવા ટેસ્ટી અને કરકરા ફરાળી સાબુદાણા વડા બનાવી શકો છો.