Farali Dahi Vada: ઉપવાસમાં ખાવાની ઇચ્છા થાય તો બનાવો સોફ્ટ ફરાળી દહીં વડા અને મીઠી ચટણી,નોધી લો રેસીપી

નવરાત્રીના ઉપવાસમાં બનાવો સ્વાદિષ્ટ ફરાળી દહીં વડા અને મીઠી ચટણી. જાણો ઘરે જ નરમ દહીં વડા બનાવવાની સરળ રીત અને ચટણીની રેસિપી.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Sat, 10 Oct 2026 12:45 PM (IST)Updated: Sat, 10 Oct 2026 12:45 PM (IST)
farali-dahi-vada-recipe-how-to-make-soft-dahi-vada-with-sweet-chutney

Farali Dahi Vada Recipe: નવરાત્રી દરમિયાન ઘણા લોકો માતાજીની આરાધના સાથે ઉપવાસ પણ કરે છે. આવા સમયે ફરાળમાં કંઈક સ્વાદિષ્ટ અને અલગ ખાવાની ઇચ્છા થાય તો ફરાળી દહીં વડા એક સારો વિકલ્પ બની શકે છે. દહીંની ઠંડક, નરમ વડા અને ખાટી-મીઠી ચટણીનો સ્વાદ આ વાનગીને ખાસ બનાવે છે. બજારમાં મળતા દહીં વડા જેવી વાનગી હવે તમે ઘરે પણ સરળતાથી બનાવી શકો છો. તો ચાલો જાણીએ ફરાળી દહીં વડા બનાવવા માટેની સામગ્રી, બનાવવાની રીત અને સાથે મીઠી ચટણી તૈયાર કરવાની સરળ રેસિપી.

ફરાળી દહીં વડા બનાવવા માટેની સામગ્રી

  • ફરાળી લોટ અથવા રાજગરાનો લોટ – 1 કપ
  • બાફેલા બટાકા – 2 મધ્યમ કદના
  • દહીં – 2 કપ
  • લીલા મરચાંની પેસ્ટ – 1 નાની ચમચી
  • આદુની પેસ્ટ – અડધી નાની ચમચી
  • સિંધવ મીઠું – સ્વાદ પ્રમાણે
  • કાળા મરીનો પાઉડર – અડધી નાની ચમચી
  • જીરું પાઉડર – અડધી નાની ચમચી
  • સમારેલી કોથમીર – જરૂર મુજબ
  • તળવા માટે તેલ અથવા ઘી

મીઠી ચટણી બનાવવા માટેની સામગ્રી

  • આમલી – ¼ કપ
  • ખજૂર – ½ કપ
  • ગોળ – ¼ કપ અથવા સ્વાદ પ્રમાણે
  • જીરું પાઉડર – અડધી નાની ચમચી
  • સિંધવ મીઠું – સ્વાદ પ્રમાણે
  • પાણી – જરૂર મુજબ

ફરાળી દહીં વડા બનાવવાની રીત

સૌથી પહેલાં બાફેલા બટાકાને છોલીને બરાબર મેશ કરી લો. હવે તેમાં ફરાળી લોટ અથવા રાજગરાનો લોટ, લીલા મરચાંની પેસ્ટ, આદુની પેસ્ટ, સિંધવ મીઠું અને થોડું જીરું પાઉડર ઉમેરો. બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરીને નરમ મિશ્રણ તૈયાર કરો. જો મિશ્રણ વધારે સૂકું લાગે તો થોડું પાણી ઉમેરી શકો છો.

હવે હાથમાં થોડું તેલ લગાવી મિશ્રણમાંથી નાના ગોળ વડા બનાવી લો. એક કડાઈમાં તેલ અથવા ઘી ગરમ કરો અને વડાને મધ્યમ તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. વડા અંદરથી પણ બરાબર ચડી જાય તેનું ધ્યાન રાખવું. તૈયાર વડાને એક પ્લેટમાં કાઢીને થોડા ઠંડા થવા દો.

ત્યારબાદ એક બાઉલમાં દહીં લો અને તેને સારી રીતે વલોવી લો, જેથી દહીં એકદમ સ્મૂધ બને. તેમાં સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું ઉમેરો. હવે તૈયાર વડાને દહીંમાં નાખીને થોડીવાર રહેવા દો, જેથી વડા દહીંનો સ્વાદ સારી રીતે શોષી લે.

મીઠી ચટણી બનાવવાની રીત

સૌથી પહેલાં આમલીને ગરમ પાણીમાં પલાળી રાખો. ખજૂરમાંથી ઠળિયા કાઢી લો. હવે એક પેનમાં આમલી, ખજૂર અને થોડું પાણી ઉમેરીને નરમ થાય ત્યાં સુધી ઉકાળો. ત્યારબાદ મિશ્રણને ઠંડું થવા દો અને મિક્સરમાં પીસીને પેસ્ટ બનાવી લો.

આ પેસ્ટને ગાળી લો, જેથી ચટણી એકદમ સ્મૂધ બને. હવે તેને ફરી પેનમાં લઈ તેમાં ગોળ, જીરું પાઉડર અને સિંધવ મીઠું ઉમેરો. ધીમા તાપે ચટણી થોડી ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો. ચટણી ઠંડી થાય પછી તેનો સ્વાદ વધુ સારો લાગશે.

ફરાળી દહીં વડા સર્વ કરવાની રીત

એક પ્લેટમાં દહીંમાં પલાળેલા વડા ગોઠવો. ઉપરથી મીઠી ચટણી ઉમેરો. સ્વાદ વધારવા માટે થોડું જીરું પાઉડર, કાળા મરીનો પાઉડર અને સમારેલી કોથમીર નાખો. જો તમને ગમે તો થોડી વધુ ઠંડી દહીં પણ ઉમેરી શકો છો. તૈયાર છે સ્વાદિષ્ટ ફરાળી દહીં વડા, જે તમે નવરાત્રીના ઉપવાસ દરમિયાન ફરાળમાં પીરસી શકો છો.

ફરાળી દહીં વડા બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની ટિપ્સ

  • વડાનું મિશ્રણ વધારે પાતળું ન રાખવું, જેથી વડા તળતી વખતે તૂટી ન જાય.
  • વડા મધ્યમ તાપે તળવા, જેથી અંદરથી પણ બરાબર ચડી જાય.
  • દહીં વલોવીને જ વાપરવું, જેથી વડા પર સરસ રીતે ફેલાય.
  • મીઠી ચટણીમાં ગોળનું પ્રમાણ તમારી પસંદગી પ્રમાણે ઓછું-વધુ રાખી શકો છો.
  • ઉપવાસમાં વપરાતા લોટ, મીઠું અને અન્ય સામગ્રી તમારા વ્રતના નિયમો અનુસાર પસંદ કરશો.