વ્રતના દિવસે સાબુદાણાની ખીચડી નહીં, આ વખતે બનાવો ફરાળી દહીંવડા; જાણો સરળ બનાવવાની રીત

ઉપવાસમાં બનાવો સ્વાદિષ્ટ અને સોફ્ટ ફરાળી દહીંવડા. જાણો સાબુદાણા અને બટાકાથી ઘરે સરળતાથી ફરાળી દહીંવડા બનાવવાની રીત.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Tue, 15 Sep 2026 10:48 AM (IST)Updated: Tue, 15 Sep 2026 10:48 AM (IST)
make-soft-and-delicious-farali-dahi-vada-recipe-at-home

Farali Dahi Vada Recipe: ઉપવાસ દરમિયાન એકસરખી ફરાળી વાનગીઓ ખાઈને કંટાળો આવ્યો હોય તો આ વખતે ફરાળી દહીંવડા બનાવી શકો છો. સોફ્ટ વડા, ઠંડું દહીં અને ઉપરથી મસાલાનો સ્વાદ આ વાનગીને વધુ ટેસ્ટી બનાવે છે. ઋષિ પંચમી, નવરાત્રી કે અન્ય વ્રત દરમિયાન આ રેસીપી નાસ્તા અથવા ભોજનમાં બનાવી શકાય છે.

ફરાળી દહીંવડા બનાવવાની સામગ્રી

  • સાબુદાણા – 1 કપ
  • બાફેલા બટાકા – 2
  • શેકેલી મગફળીનો ભૂકો – ½ કપ
  • લીલા મરચાં – 2 ઝીણા સમારેલા
  • જીરું – 1 ચમચી
  • સિંધાલૂણ – સ્વાદ મુજબ
  • તેલ – વડા તળવા માટે
  • દહીં – 2 કપ
  • ખાંડ – 1 ચમચી
  • શેકેલું જીરું પાઉડર – ½ ચમચી
  • લાલ મરચું પાઉડર – થોડું
  • કોથમીર – ગાર્નિશ માટે

ફરાળી દહીંવડા બનાવવાની રીત

સૌથી પહેલાં સાબુદાણાને સારી રીતે ધોઈને 4થી 5 કલાક માટે પાણીમાં પલાળી રાખો. સાબુદાણા નરમ થઈ જાય પછી તેમાં રહેલું વધારાનું પાણી કાઢી લો. હવે તેમાં બાફેલા બટાકા મેશ કરીને ઉમેરો. સાથે શેકેલી મગફળીનો ભૂકો, લીલા મરચાં, જીરું અને સિંધાલૂણ નાખીને બધી સામગ્રી સારી રીતે મિક્સ કરી લો.

હવે તૈયાર મિશ્રણમાંથી નાના-નાના ભાગ લઈને ગોળ વડા બનાવો અને હળવા હાથે થોડા ચપટા કરો. એક કડાઈમાં તેલ ગરમ કરીને વડાને મધ્યમ આંચ પર ધીમે ધીમે તળો. વડા બંને બાજુથી ગોલ્ડન અને ક્રિસ્પી થઈ જાય એટલે તેને બહાર કાઢીને થોડા સમય માટે રાખો.

હવે એક વાસણમાં દહીં લઈને તેને સારી રીતે ફેંટી લો. તેમાં ખાંડ અને થોડું સિંધાલૂણ ઉમેરીને મિક્સ કરો. તૈયાર કરેલા વડાને થોડા સમય માટે હૂંફાળા પાણીમાં નાખો અને પછી હળવેથી દબાવીને વધારાનું પાણી કાઢી લો. ત્યારબાદ વડાને દહીંમાં મૂકી દો જેથી તે દહીંને સારી રીતે શોષી લે.

સર્વ કરતી વખતે દહીંવડા ઉપર શેકેલું જીરું પાઉડર, થોડું લાલ મરચું અને ઝીણી સમારેલી કોથમીર છાંટો. ઠંડા-ઠંડા ફરાળી દહીંવડા સર્વ કરો. આ રીતે ઘરે સરળતાથી સોફ્ટ, ટેસ્ટી અને ઉપવાસમાં ખાઈ શકાય એવા ફરાળી દહીંવડા તૈયાર થઈ જશે.

ટિપ્સ

સાબુદાણામાં વધારે પાણી ન રહે તેનું ખાસ ધ્યાન રાખો, નહીં તો વડાનું મિશ્રણ ઢીલું થઈ શકે છે. દહીંવડા વધુ સોફ્ટ બનાવવા માટે તળેલા વડાને થોડા સમય માટે પાણીમાં પલાળવા જરૂરી છે. ઉપવાસ માટે બનાવતા હો તો સામાન્ય મીઠાની જગ્યાએ સિંધાલૂણનો ઉપયોગ કરો.