Farali Dahi Vada: ઉપવાસમાં નાસ્તા માટે બેસ્ટ છે આ ચટપટા ફરાળી દહીંવડા, આવી રીતે બનાવો

ઉપવાસમાં એક જ પ્રકારની વાનગી ખાઈને કંટાળી ગયા છો? તો આજે બનાવો ટેસ્ટી ફરાળી દહીંવડા. સાબુદાણા અને બટાકાથી બનતી આ સરળ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરો.

By: Dimpal GhoyalEdited By:Dimpal GhoyalPublish Date: Thu, 20 Aug 2026 10:09 AM (IST)Updated: Thu, 20 Aug 2026 10:09 AM (IST)
shravan-vrat-recipe-how-to-make-healthy-farali-dahi-vada

Farali Dahi Vada Recipe: શ્રાવણ માસમાં ઘણા લોકો ઉપવાસ અને ફરાળ કરતા હોય છે. રોજ એકસરખી સાબુદાણા ખીચડી કે બટાકાની વાનગી ખાઈને કંટાળી ગયા હોવ તો આજે કંઈક અલગ અને ચટપટું ટ્રાય કરો. સાબુદાણા અને બટાકાથી બનાવેલા ફરાળી દહીંવડા સ્વાદિષ્ટ હોવાની સાથે શ્રાવણના ફરાળ માટે પણ એક સરસ વિકલ્પ છે. ઉપરથી ઠંડું દહીં, લીલી-મીઠી ચટણી અને શેકેલા જીરાનો સ્વાદ આ દહીંવડાને વધુ ટેસ્ટી બનાવે છે. ખાસ વાત એ છે કે આ રેસીપી ઘરે સરળતાથી બનાવી શકાય છે.

ફરાળી દહીંવડા બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ સાબુદાણા
  • 2 મોટા બાફેલા બટાકા
  • 2 લીલા મરચાં
  • 1 ચમચી આદુની પેસ્ટ
  • 1 ચમચી જીરું
  • સિંધાલૂણ સ્વાદ મુજબ
  • 2 કપ તાજું દહીં
  • 1 ચમચી ખાંડ
  • લીલી ચટણી
  • મીઠી ચટણી
  • શેકેલું જીરું પાવડર
  • લાલ મરચું પાવડર
  • તેલ તળવા માટે

ફરાળી દહીંવડા બનાવવાની રીત

સૌ પ્રથમ સાબુદાણાને સારી રીતે ધોઈને 4-5 કલાક માટે પલાળી રાખો. સાબુદાણા પલળી જાય પછી વધારાનું પાણી કાઢીને તેને સારી રીતે નિતારી લો. હવે એક વાસણમાં સાબુદાણા, બાફેલા બટાકા, લીલા મરચાં, આદુની પેસ્ટ, જીરું અને સિંધાલૂણ નાખીને બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી લો.

હવે તૈયાર કરેલા મિશ્રણમાંથી નાના-નાના ગોળા બનાવીને તેને થોડા ચપટા કરી લો. કડાઈમાં તેલ ગરમ કરીને વડાને મધ્યમ તાપે બંને બાજુથી સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. તળાઈ જાય પછી વડાને એક પ્લેટમાં કાઢી લો.

ત્યારબાદ એક વાસણમાં દહીં લઈ તેને સારી રીતે ફેટી લો અને તેમાં થોડું સિંધાલૂણ તથા ખાંડ ઉમેરો. તળેલા વડાને થોડા સમય માટે પાણીમાં મૂકી હળવા હાથે દબાવી વધારાનું પાણી કાઢી લો.

હવે સર્વિંગ પ્લેટમાં વડા ગોઠવી તેની ઉપર ફેટેલું દહીં રેડો. ત્યારબાદ લીલી ચટણી અને મીઠી ચટણી ઉમેરો. છેલ્લે ઉપરથી શેકેલું જીરું પાવડર અને થોડું લાલ મરચું પાવડર છાંટો. તૈયાર છે શ્રાવણ માસના ફરાળ માટે સ્વાદિષ્ટ અને ચટપટા ફરાળી દહીંવડા.

ઉપયોગી ટીપ્સ

  • સાબુદાણા પલાળ્યા પછી તેમાં પાણી વધારે ન રહે તેનું ધ્યાન રાખો.
  • વડા ક્રિસ્પી બનાવવા માટે મિશ્રણ ઢીલું ન રાખવું.
  • દહીં થોડું ઠંડું રાખશો તો દહીંવડા વધુ સ્વાદિષ્ટ લાગશે.