Mithun Manhas: બીસીસીઆઈના નવા અધ્યક્ષ બનશે મિથુન મન્હાસ, આરપી સિંહને મળી શકે છે મોટી જવાબદારી

મિથુન મન્હાસ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના નવા અધ્યક્ષ બનશે. મન્હાસ આ પદ સંભાળનારા સૌરવ ગાંગુલી અને રોજર બિન્ની પછી ત્રીજા ખેલાડી હશે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Sun, 21 Sep 2025 09:36 AM (IST)Updated: Sun, 21 Sep 2025 09:36 AM (IST)
mithun-manhas-elected-new-bcci-president

BCCI New President Mithun Manhas: રોજર બિન્ની બાદ દિલ્હીના પૂર્વ ક્રિકેટર મિથુન મન્હાસ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના નવા અધ્યક્ષ બનશે. મન્હાસ આ પદ સંભાળનારા સૌરવ ગાંગુલી અને રોજર બિન્ની પછી ત્રીજા ખેલાડી હશે. આ સાથે જ ભારતના પૂર્વ ઝડપી બોલર આરપી સિંહને પણ પસંદગી સમિતિમાં મહત્વની જવાબદારી મળવાનું નક્કી છે.

દુબઈમાં યોજાઈ મહત્વની બેઠક

28 સપ્ટેમ્બરે યોજાનારી વાર્ષિક સામાન્ય સભા (AGM) પહેલાં બોર્ડના ખાલી પદો માટે ઉમેદવારો નક્કી કરવા BCCIના અનુભવી પ્રશાસકો અને મુખ્ય નિર્ણયકર્તાઓએ શનિવારે દુબઈમાં એક અનૌપચારિક બેઠક યોજી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર જમ્મુ ક્રિકેટ એસોસિએશનનું પ્રતિનિધિત્વ કરતા પૂર્વ ક્રિકેટર મિથુન મન્હાસને અધ્યક્ષ પદ માટે નક્કી કરવામાં આવ્યા છે.

આ પદો પર પણ થઈ નિમણૂક

  • રાજીવ શુક્લા તેમના ઉપાધ્યક્ષ પદે યથાવત રહેશે.
  • કર્ણાટક રાજ્ય ક્રિકેટ સંઘ (KSCA)ના અધ્યક્ષ રઘુરામ ભટ્ટ નવા ખજાનચી બની શકે છે.
  • દેવજીત સૈકિયા સચિવ તરીકે ચાલુ રહેશે, જ્યારે પ્રભતેજ ભાટિયા સંયુક્ત સચિવ બની શકે છે.
  • અરુણ સિંહ ધૂમલ ફરી એકવાર IPL ચેરમેન તરીકે ચાલુ રહે તેવી પૂરી સંભાવના છે.

ઓઝા અને આરપી સિંહને મળી મોટી જવાબદારી

બોર્ડના પદાધિકારીઓ ઉપરાંત રાષ્ટ્રીય પસંદગી સમિતિમાં પણ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. પ્રજ્ઞાન ઓઝા રાષ્ટ્રીય સિનિયર પસંદગી સમિતિમાં એસ શરથનું સ્થાન લેશે. એસ શરથને જુનિયર પસંદગી સમિતિના નવા ચેરમેન બનાવવામાં આવશે, જ્યાં તેઓ વીએસ તિલક નાયડુની જગ્યા લેશે. ભારતના પૂર્વ ઝડપી બોલર આરપી સિંહ સુબ્રતો બેનર્જીનું સ્થાન લેશે. આ નવી પસંદગી સમિતિઓ 28 સપ્ટેમ્બરથી પોતાનો કાર્યભાર સંભાળશે.

BCCIના નવા સંભવિત પદાધિકારીઓ

  • અધ્યક્ષ: મિથુન મન્હાસ
  • ઉપાધ્યક્ષ: રાજીવ શુક્લા
  • ખજાનચી: રઘુરામ ભટ્ટ
  • સચિવ: દેવજીત સૈકિયા
  • સંયુક્ત સચિવ: પ્રભતેજ ભાટિયા
  • આઈપીએલ ચેરમેન: અરુણ સિંહ ધૂમલ