IND vs PAK: મારવાના ઇરાદાથી મેદાનમાં ઉતરો… ફાઈનલ પહેલા શોએબ અખ્તરે પાકિસ્તાની ખેલાડીઓને આપ્યો મેસેજ

ફાઇનલ મેચ પહેલાં શોએબ અખ્તરે પાકિસ્તાની ટીમને સ્પષ્ટપણે કહ્યું છે કે મેદાન પર મારવાના ઇરાદાથી ઉતરો. તેમણે કહ્યું કે પાકિસ્તાને આ રવિવારે ભારતના ઘમંડને તોડી નાખવો જોઈએ.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Sat, 27 Sep 2025 11:08 AM (IST)Updated: Sat, 27 Sep 2025 11:08 AM (IST)
ind-vs-pak-final-asia-cup-2025-shoaib-akhtar-message-for-pakistan-team

IND vs PAK Final, Shoaib Akhtar: પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે એશિયા કપની ફાઇનલને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. એશિયા કપના 41 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ભારત અને પાકિસ્તાનની ટીમો ફાઇનલમાં આમને-સામને છે. આ હાઈ-વોલ્ટેજ મુકાબલા પહેલા શોએબ અખ્તરે પોતાના જૂના અંદાજમાં પાકિસ્તાની ટીમને ઘાતક સ્વરૂપ ધારણ કરવાનો સંદેશ આપ્યો છે.

અખ્તરનો પાકિસ્તાની ટીમને સ્પષ્ટ સંદેશ

28 સપ્ટેમ્બરે દુબઈમાં યોજાનારી ફાઇનલ મેચ પહેલાં શોએબ અખ્તરે પાકિસ્તાની ટીમને સ્પષ્ટપણે કહ્યું છે કે મેદાન પર મારવાના ઇરાદાથી ઉતરો. તેમણે કહ્યું કે પાકિસ્તાને આ રવિવારે ભારતના ઘમંડને તોડી નાખવો જોઈએ. અખ્તરે કહ્યું કે પાકિસ્તાની ટીમે એવા મિજાજ સાથે મેદાનમાં ઉતરવું પડશે અને ભારતને બતાવી દેવું પડશે કે તેઓ કઈ માટીના બનેલા છે.

શોએબ અખ્તરે ઉમેર્યું કે પાકિસ્તાને એવી રમત રમવી જોઈએ કે ભારતીય ટીમ હંમેશા પોતાને મુશ્કેલીમાં અનુભવે. પૂર્વ ઝડપી બોલરના આ નિવેદન બાદ ભારત-પાકિસ્તાન ફાઇનલનો રોમાંચ હવે વધુ વધી ગયો છે.

ટુર્નામેન્ટમાં ભારતનું પ્રભુત્વ

ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ મેચ દુબઈના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ પોતાની તમામ મેચો જીતીને ફાઇનલમાં પહોંચી છે, જ્યારે પાકિસ્તાનની ટીમ સંઘર્ષ કરીને ફાઇનલમાં સ્થાન મેળવવામાં સફળ રહી છે. એશિયા કપ 2025માં આ બંને ટીમો વચ્ચે આ ત્રીજી ટક્કર હશે.

આ પહેલા બંને ટીમો 14 સપ્ટેમ્બરે ગ્રુપ સ્ટેજમાં અને ત્યારબાદ 21 સપ્ટેમ્બરે સુપર 4માં ટકરાઈ હતી. આ બંને મુકાબલામાં ભારતે પાકિસ્તાનને ખરાબ રીતે હરાવ્યું હતું. તેમ છતાં શોએબ અખ્તરનું નિવેદન "દોરી બળી ગઈ પણ વળ ન ગયો" જેવું છે.

41 વર્ષમાં પહેલીવાર ઐતિહાસિક ફાઇનલ

શોએબ અખ્તરના આ નિવેદનની પાકિસ્તાની ખેલાડીઓ પર કેટલી અસર થશે તે તો સમય જ બતાવશે, પરંતુ આ નિવેદને હાલ પૂરતો ફાઇનલનો રોમાંચ વધારી દીધો છે. આ વખતની ફાઇનલ એટલા માટે પણ ખાસ છે કારણ કે એશિયા કપના 41 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત ભારત અને પાકિસ્તાન એકબીજા સામે ફાઇનલમાં ટકરાઈ રહ્યા છે.