ટીમ ઈન્ડિયાની જીત પર પાકિસ્તાની દિગ્ગજોની પ્રતિક્રિયા: આફ્રિદી અને અખ્તરે કર્યા મુક્તકંઠે વખાણ; મોહમ્મદ આમિરના 'કટાક્ષ' થી સોશિયલ મીડિયા પર હંગામો

પાકિસ્તાની દિગ્ગજોની આ પ્રતિક્રિયાઓ દર્શાવે છે કે ભારતની ક્રિકેટ ક્ષમતાનો સ્વીકાર હવે સમગ્ર વિશ્વ કરી રહ્યું છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 09 Mar 2026 02:20 PM (IST)Updated: Mon, 09 Mar 2026 02:20 PM (IST)
ind-vs-nz-t20-world-cup-2026-final-pakistani-legends-react-to-team-india-victory

IND vs NZ T20 World Cup 2026 Final: 8 માર્ચ, 2026ના રોજ ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવીને T20 વર્લ્ડ કપ જીતીને નવો ઈતિહાસ રચ્યો છે. ભારતની આ સફળતા બાદ પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટરોએ સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલો પર પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. જેમાં શાહિદ આફ્રિદી અને શોએબ અખ્તરે ભારતની સિસ્ટમના વખાણ કર્યા છે, તો મોહમ્મદ આમિરના અંદાજે ચાહકોમાં નારાજગી જન્માવી છે.

મોહમ્મદ આમિરની અનોખી અને કટાક્ષભરી શૈલી

પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરે ભારતને અભિનંદન તો આપ્યા, પરંતુ તેમના હાવભાવ કઈક અલગ જ સૂચવતા હતા. આમિરે ટુર્નામેન્ટ પહેલા આગાહી કરી હતી કે ભારત સેમિફાઈનલ કે ફાઈનલ સુધી નહીં પહોંચે, પરંતુ ભારત ચેમ્પિયન બનતા જ ચાહકોએ તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાનું શરૂ કર્યું.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમની આગાહી ખોટી પડી, ત્યારે આમિરે ઉદાસીનતા સાથે જવાબ આપ્યો, "ઠીક છે, ભારત જીતી ગયું. તે કપ ઘરે લઈ જશે, મને નહીં. શાબાશ!" જોકે, "હરના મન હૈ" શોમાં તેમણે સ્વીકાર્યું કે ભારતના ટોચના ત્રણ બેટ્સમેનોએ રમત ન્યુઝીલેન્ડના હાથમાંથી છીનવી લીધી હતી. આમિરે ન્યુઝીલેન્ડની રણનીતિ પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે, અભિષેક શર્મા સ્પિન સામે નબળો હોવા છતાં કિવી ટીમે સ્પિનનો ઉપયોગ કેમ ન કર્યો તે સમજાતું નથી.

શાહિદ આફ્રિદી અને શોએબ અખ્તરના વખાણ

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ ભારતીય ટીમને શાનદાર પ્રદર્શન બદલ અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું કે ભારતનું ક્રિકેટ માળખું અત્યંત મજબૂત છે અને આ જીત તે મજબૂત સિસ્ટમનું જ પરિણામ છે.

બીજી તરફ, 'રાવલપિંડી એક્સપ્રેસ' શોએબ અખ્તરે પણ ખુલ્લેઆમ સ્વીકાર્યું કે ભારત હાલમાં વિશ્વ ક્રિકેટની સૌથી શક્તિશાળી ટીમ છે. અખ્તરે ભારતીય સિસ્ટમની પ્રશંસા કરતા જણાવ્યું કે, સતત બે વાર વર્લ્ડ કપ જીતવો એ સાબિત કરે છે કે ભારતનું ક્રિકેટ કયા સ્તરે પહોંચી ગયું છે.

અહેમદ શહેઝાદ અને મોહમ્મદ હાફિઝનું નિવેદન

પાકિસ્તાની બેટ્સમેન અહેમદ શહેઝાદે સંજુ સેમસન અને અભિષેક શર્માની વિસ્ફોટક બેટિંગના વખાણ કર્યા હતા. તેમણે પાકિસ્તાની ક્રિકેટ બોર્ડને સલાહ આપી કે તેમણે ભારતની સફળતામાંથી શીખવું જોઈએ કે યુવા ખેલાડીઓને કેવી રીતે તૈયાર કરવા. મોહમ્મદ હાફિઝે પણ ટીમ ઈન્ડિયાના સંતુલન અને સાતત્યપૂર્ણ દેખાવની પ્રશંસા કરી હતી.

શોએબ મલિકની પ્રતિક્રિયા

ભૂતપૂર્વ ઓલરાઉન્ડર શોએબ મલિકે પણ ભારતની જીતને આવકારી હતી. મલિકે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ભારતીય ટીમના માનસિક જોશ અને દબાણ હેઠળ રમવાની ક્ષમતાને બિરદાવી હતી. તેમણે ખાસ ઉલ્લેખ કર્યો કે ઘરઆંગણે આટલા મોટા સ્ટેડિયમમાં વર્લ્ડ કપ જીતવો એ ખરેખર ખાસ છે.

પાકિસ્તાની દિગ્ગજોની આ પ્રતિક્રિયાઓ દર્શાવે છે કે ભારતની ક્રિકેટ ક્ષમતાનો સ્વીકાર હવે સમગ્ર વિશ્વ કરી રહ્યું છે. ટીકાઓ અને કટાક્ષ વચ્ચે પણ ભારતીય ખેલાડીઓએ મેદાન પર પોતાના પ્રદર્શનથી સાબિત કરી દીધું છે કે તેઓ કેમ વિશ્વ વિજેતા છે.