India vs Sri Lanka: એશિયા કપ 2025 માં ભારતે શ્રીલંકા સામે સુપર ઓવરમાં એક રોમાંચક જીત મેળવી છે. આ મેચમાં અર્શદીપ સિંહે સુપર ઓવરમાં શાનદાર બોલિંગ કરી હતી. જોકે, આ જીત છતાં 'પ્લેયર ઓફ ધ મેચ'નો એવોર્ડ કોઈ ભારતીય ખેલાડીને નહીં, પરંતુ હારેલી શ્રીલંકન ટીમના ખેલાડીને મળ્યો હતો. જાણો શા માટે…
પથુમ નિસાંકા બન્યો 'પ્લેયર ઓફ ધ મેચ'
આ પણ વાંચો
ક્રિકેટમાં ભાગ્યે જ એવું બને છે કે હારેલી ટીમના ખેલાડીને 'પ્લેયર ઓફ ધ મેચ'નો પુરસ્કાર મળે. આ એ વાતનો પુરાવો છે કે ભલે ટીમ હારી ગઈ હોય, પરંતુ તે ખેલાડીનું પ્રદર્શન અસાધારણ હતું. T20 એશિયા કપ 2025 ના સુપર-4 રાઉન્ડમાં ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચમાં આ જ દ્રશ્ય જોવા મળ્યું. શ્રીલંકાના ઓપનિંગ બેટ્સમેન પથુમ નિસાંકાને તેની શાનદાર સદી માટે 'પ્લેયર ઓફ ધ મેચ' તરીકે પસંદ કરવામાં આવ્યો. દુબઈના મેદાન પર રમાયેલી આ મેચમાં નિસાંકાએ માત્ર 58 બોલમાં 7 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 107 રન બનાવ્યા હતા.
આ એશિયા કપ 2025 માં પ્રથમ વખત બન્યું છે કે હારેલી ટીમના ખેલાડીને આ પુરસ્કાર મળ્યો હોય. નિસાંકાએ પોતાની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય સદી 52 બોલમાં પૂર્ણ કરી હતી અને તે 20મી ઓવરમાં હર્ષિત રાણા દ્વારા આઉટ થયો હતો.
સુપર ઓવરમાં અર્શદીપ સિંહનો કમાલ
મેચની વાત કરીએ તો ભારતે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરીને 5 વિકેટે 202 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમે પણ નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 202 રન બનાવ્યા, જેના કારણે મેચ ટાઈ થઈ અને પરિણામ માટે સુપર ઓવર લેવામાં આવી.
સુપર ઓવરમાં ભારતના ઝડપી બોલર અર્શદીપ સિંહે કમાલ કરી. અર્શદીપે સુપર ઓવરમાં પાંચ બોલ નાખ્યા અને માત્ર બે રન આપ્યા, જેમાં એક વાઈડનો પણ સમાવેશ થાય છે. તેણે શ્રીલંકાના બે ખેલાડીઓને આઉટ કર્યા, જેના કારણે ભારતને જીતવા માટે માત્ર ત્રણ રનનો લક્ષ્યાંક મળ્યો. આ લક્ષ્યનો પીછો કરતા ભારતીય કપ્તાન સૂર્યકુમાર યાદવે વાનિન્દુ હસરંગાની પહેલી જ બોલ પર ત્રણ રન દોડીને ભારતને જીત અપાવી હતી.
