Twisha Sharma death case: નોઈડાની રહેવાસી ત્વિષા શર્માના ભોપાલ સ્થિત સાસરીમાં શંકાસ્પદ સંજોગોમાં થયેલા મૃત્યુના કેસની તપાસ હવે CBI ટીમ કરી રહી છે. મંગળવારના રોજ તપાસના પ્રથમ દિવસે જ CBI એજન્સીએ ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું અને ત્વિષાના રિટાયર્ડ જજ સાસુ સહિતના કેસ સાથે જોડાયેલા મુખ્ય પરિવારજનોની પૂછપરછ કરી હતી.
સાસુ ગિરિબાલા સિંહની અડધો કલાક પૂછપરછ
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ટીમ સૌપ્રથમ તે ઘરે પહોંચી હતી જ્યાં ત્વિષાનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું હતું. અહીં અધિકારીઓએ ઘટનાસ્થળનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું અને રૂમ તથા આસપાસના ભાગોની તપાસ કરી હતી. CBI અધિકારીઓએ ત્વિષાના સાસુ ગિરિબાલા સિંહની લગભગ અડધો કલાક સુધી પૂછપરછ કરી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સાસુ ગિરિબાલા સિંહને ત્વિષા અને તેના પતિ સમર્થ સિંહ વચ્ચેના વૈવાહિક સંબંધો, પરિવારના વાતાવરણ અને ઘટના પહેલાની પરિસ્થિતિ વિશે અનેક સવાલ કરવામાં આવ્યા હતા. તપાસ એજન્સી એ સમજવાનો પ્રયાસ કરી રહી છે કે લગ્ન પછી બંનેના સંબંધોમાં કેવા બદલાવ આવ્યા અને ઘટનાના દિવસે ઘરમાં શું સ્થિતિ હતી.
માતા-પિતાનો આરોપ: લગ્ન પછી તે પરેશાન હતી
ગિરિબાલા સિંહના નિવાસસ્થાનેથી નીકળ્યા બાદ CBI ટીમ લાલઘાટી સ્થિત થ્રીઈએમઈ (3EME) સેન્ટર પહોંચી હતી, જ્યાં ત્વિષાના માતા-પિતા અને અન્ય સંબંધીઓ રોકાયેલા છે. અહીં ટીમે લગભગ એક કલાક સુધી ત્વિષાના પરિવારજનો સાથે વિસ્તારપૂર્વક પૂછપરછ કરી હતી. એજન્સીએ મોબાઈલ ચેટ, કોલ રેકોર્ડ અને અન્ય ડિજિટલ પુરાવાની માહિતી એકઠી કરી છે.
આ પણ વાંચો: કેરળના પૂર્વ CM પિનરાઈ વિજયન સામે EDની આકરી કાર્યવાહી, મની લોન્ડરિંગ કેસમાં 10 સ્થળોએ દરોડા
પરિવારના સભ્યોએ તપાસ અધિકારીઓને જણાવ્યું કે, લગ્ન પછીથી ત્વિષા સતત માનસિક રીતે પરેશાન રહેતી હતી. તેઓએ મોબાઈલ મેસેજ, ફોન કોલ અને છેલ્લી વાતચીતને લગતી માહિતી પણ ટીમને પૂરી પાડી હતી. CBI અધિકારીઓએ એ જાણવાનો પ્રયાસ કર્યો કે ઘટના પહેલા ત્વિષાએ કઈ પરિસ્થિતિનો ઉલ્લેખ કર્યો હતો અને પરિવારને કયા પ્રકારની આશંકા હતી.
CBI ને SIT એ સોંપ્યા પુરાવા અને કેસ ડાયરી
CBI ટીમે ભોપાલ પોલીસ કમિશનર સંજય કુમાર સાથે મુલાકાત કરીને અત્યાર સુધીની તપાસ અને પોલીસ કાર્યવાહીની માહિતી મેળવી હતી. મોડી રાત્રે SIT પ્રમુખ ACP રજનીશ કશ્યપે કેસ ડાયરી અને અત્યાર સુધી એકત્ર કરાયેલા તમામ પુરાવાઓ CBI ટીમને સોંપી દીધા હતા. તેમાં જપ્ત કરાયેલા ઈલેક્ટ્રોનિક ડિવાઈસ, દસ્તાવેજો અને અન્ય મહત્વપૂર્ણ સામગ્રીનો સમાવેશ થાય છે.
