Madhya Pradesh News: મધ્યપ્રદેશના સાગર જિલ્લામાંથી સરકારી આરોગ્ય તંત્રને શર્મસાર કરતી અને તબીબી બેદરકારીની એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંની બાંદા સિવિલ હોસ્પિટલના એક ડૉક્ટર પર સારવાર દરમિયાન 19 મહિનાના માસૂમ બાળકને કથિત રીતે અંધ બનાવી દેવાનો ગંભીર આરોપ લાગ્યો છે. પીડિત પરિવારનો દાવો છે કે બાળકની આંખોની સારવાર કરતી વખતે ડૉક્ટરે મોટી ભૂલ કરીને આંખના બદલે નાકમાં નાખવાના ટીપાં બાળકની આંખોમાં નાખી દીધા હતા, જેના કારણે માસૂમે પોતાની આંખોની રોશની હંમેશા માટે ગુમાવી દીધી છે.
શું છે સમગ્ર ઘટના?
પ્રાપ્ત માહિતી અનુસાર, ભુસા કમલપુર ગામના રહેવાસી ઇન્દ્રજ વિશ્વકર્મા 29 મે, 2026 ના રોજ તેમના 19 મહિનાના પુત્ર વિનય વિશ્વકર્માને શરદી, ઉધરસ અને આંખોમાં લાલાશની ફરિયાદ હોવાથી બાંદા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. હોસ્પિટલની OPD સ્લિપ લીધા બાદ પરિવારે ત્યાં ફરજ પર તૈનાત બાળરોગ ચિકિત્સક ડૉ. હિમાંશુ વર્માની સલાહ લીધી હતી.
બાળકના પિતાનો આરોપ છે કે તપાસ બાદ ડૉક્ટરે આંખના ટીપાં, પેરાસિટામોલ સીરપ અને ઇન્જેક્શન લખી આપ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન ડૉક્ટરે ઘોર બેદરકારી દાખવી બાળકની આંખોમાં નાકના ટીપાં નાખી દીધા. આ પ્રક્રિયા બાદ પરિવાર 3 થી 4 કલાક હોસ્પિટલમાં જ રોકાયો હતો, પરંતુ બાળકની સ્થિતિ સુધરવાને બદલે સતત બગડતી ગઈ અને તેની આંખોમાં ગંભીર ઇન્ફેક્શન જેવી અસર દેખાવા લાગી.
એઈમ્સ ભોપાલના ડૉક્ટરોએ હાથ અધધ કર્યા
બાંદા હોસ્પિટલમાં બાળકની હાલત વધુ નાજુક બનતા તબીબોએ તેને તાત્કાલિક સાગર જિલ્લા હોસ્પિટલમાં રીફર કર્યો હતો. ત્યાં પણ કેસ ગંભીર જણાતા પરિવારે વધુ સારી સારવાર માટે વિનયને AIIMS ભોપાલ ખસેડ્યો હતો. એઈમ્સ ભોપાલના નિષ્ણાત ડૉક્ટરોએ બાળકની વિગતવાર તપાસ કર્યા બાદ પરિવારને જે જણાવ્યું તે સાંભળીને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ડૉક્ટરોએ સ્પષ્ટ કર્યું કે અયોગ્ય દવા અથવા તબીબી બેદરકારીને કારણે બાળકની દૃષ્ટિ સંપૂર્ણપણે જતી રહી છે અને હવે તે ફરી ક્યારેય જોઈ શકશે નહીં.
પોલીસ ફરિયાદ અને તપાસ સમિતિની રચના
આ કાળજું કંપાવી દેનારી ઘટના બાદ પીડિત પિતા ઇન્દ્રજ વિશ્વકર્માએ બાંદા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે ડૉક્ટરની ગુનાહિત બેદરકારીના કારણે તેમના એકના એક પુત્રનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ ગયું છે. પરિવારે દોષિત ડૉક્ટર અને હોસ્પિટલ સ્ટાફ સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
બીજી તરફ, આ મામલો મીડિયામાં વહેતો થતાં જ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. સાગરના મુખ્ય તબીબી અને આરોગ્ય અધિકારી (CMHO) ડૉ. ગંગા પ્રસાદ આર્યએ તાત્કાલિક અસરથી આ ઘટનાની તપાસ કરવા માટે ત્રણ સભ્યોની ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી દીધી છે. સમિતિને એક અઠવાડિયાની અંદર સમગ્ર મામલાનો રિપોર્ટ સોંપવાનો આદેશ આપવામાં આવ્યો છે. સીએમએચઓ (CMHO) એ ખાતરી આપી છે કે તપાસ એકદમ નિષ્પક્ષ રહેશે અને રિપોર્ટના આધારે જે પણ વ્યક્તિ દોષિત સાબિત થશે, તેની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે.
