Twisha Sharma Death Case: મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં રહેતી 33 વર્ષીય મોડેલ અને અભિનેત્રી ત્વિશા શર્માના શંકાસ્પદ મોતનો મામલો હવે દેશની સૌથી મોટી તપાસ એજન્સી CBI (સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન) એ પોતાના હાથમાં લીધો છે. 12 મે 2026 ના રોજ ભોપાલના કટારા હિલ્સ સ્થિત સાસરીમાં ત્વિશાનો મૃતદેહ ફાંસીએ લટકતો મળી આવ્યો હતો. આ હાઈ-પ્રોફાઈલ કેસમાં સુપ્રીમ કોર્ટે પણ કડક વલણ અપનાવતા તપાસની પારદર્શિતા પર ભાર મૂક્યો છે. હાલમાં પોલીસ રિમાન્ડ પર રહેલા ત્વિશાના પતિ સમર્થ સિંહની સતત પૂછપરછ ચાલી રહી છે, જેમાં તેણે દામ્પત્ય જીવનના અનેક ચોકાવનારા ખુલાસા કર્યા છે.
પ્રેગ્નેન્સી અને અબોરશન બાદ વધ્યો હતો વિવાદ
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂછપરછ દરમિયાન સમર્થ સિંહે દાવો કર્યો છે કે લગ્ન બાદ શરૂઆતના દિવસોમાં તેમના સંબંધો સામાન્ય હતા. પરંતુ 17 એપ્રિલ ના રોજ જ્યારે ત્વિશાને ખબર પડી કે તે પ્રેગ્નેન્ટ છે, ત્યારથી બંને વચ્ચે વિવાદો શરૂ થયા હતા. સમર્થના કહેવા પ્રમાણે, તે પિતા બનવા માંગતો હતો, પરંતુ ત્વિશા ગ્લેમર વર્લ્ડ સાથે જોડાયેલી હોવાથી તે અત્યારે બાળક ઈચ્છતી નહોતી. સમર્થનો દાવો છે કે ત્વિશાએ પોતાની મરજીથી એક ખાનગી ડોક્ટર પાસે જઈને ગર્ભપાત કરાવ્યું હતું અને ત્યારથી તે ખૂબ જ તણાવ અને અવસાદમાં રહેતી હતી.
ત્વિશાની માનસિક સ્થિતિ અને દિલ્હી પ્રવાસ પર સવાલો
સમર્થ સિંહે તપાસકર્તાઓ સામે એવો પણ દાવો કર્યો છે કે ત્વિશા 'બાઈપોલર ડિસઓર્ડર' નામની માનસિક બીમારીથી પીડાતી હતી, જેના કારણે તેના મૂડમાં અચાનક બદલાવ આવતો હતો. તેણે એપ્રિલ મહિનાની એક ઘટનાનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, ત્વિશાએ તેને જણાવ્યા વગર અચાનક દિલ્હીનો પ્રવાસ કર્યો હતો, જેના કારણે તેમના સંબંધોમાં વધુ ખટાશ આવી હતી. જોકે, ત્વિશાના પરિવારે આ તમામ પાયાવિહોણા આક્ષેપો ગણાવ્યા છે અને સાસરી પક્ષ પર દહેજ માટે શારીરિક અને માનસિક ત્રાસ આપવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
12 મેની રાત્રિની કહાની
ઘટનાની રાત્રિ વિશે માહિતી આપતા સમર્થ જણાવ્યું કે તે રાત્રે બધું સામાન્ય હતું. જમ્યા બાદ બંને પાર્કમાં ટહેલવા ગયા હતા અને પછી ટીવી જોયું હતું. મોડી રાત્રે તેની માતા ગિરીબાલા સિંહે તેને જગાડ્યો અને જણાવ્યું કે ત્વિશા ફોન નથી ઉપાડી રહી. જ્યારે તપાસ કરી તો ત્વિશા છત પર ફાંસીએ લટકતી મળી હતી. સમર્થના જણાવ્યા મુજબ તેને નીચે ઉતારી તરત જ ભોપાલ AIIMS હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. નોંધનીય છે કે આ ઘટના બાદ સમર્થ ફરાર થઈ ગયો હતો અને 1 અઠવાડિયા સુધી જબલપુરમાં છુપાયો હતો. તેણે પોલીસથી બચવા પોતાનો મોબાઈલ પણ બંધ રાખ્યો હતો.
પુરાવાઓની કબજે કરાયા અને બીજીવાર પોસ્ટમોર્ટમ
SIT અને CBI ની ટીમોએ આ કેસમાં તપાસ તેજ કરી છે. પોલીસે સમર્થનો લેપટોપ, મોબાઈલ, પાસપોર્ટ અને 7 લાખ રૂપિયાના વ્યવહાર સાથે જોડાયેલા દસ્તાવેજો જપ્ત કર્યા છે. ઘટનાસ્થળનું રી-ક્રિએશન પણ કરવામાં આવ્યું છે. ત્વિશાના પ્રથમ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેના શરીર પર ઈજાના નિશાન મળી આવ્યા હતા, જે શંકા પ્રેરે છે. આથી હાઈકોર્ટના આદેશ બાદ દિલ્હી AIIMS ના ડોક્ટરોની દેખરેખમાં બીજી વાર પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે, જેનો વિસ્તૃત રિપોર્ટ કેસમાં મહત્વનો સાબિત થશે.
સુપ્રીમ કોર્ટની ગંભીર નોંધ
સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી દરમિયાન નોંધ્યું છે કે એક મહિલાનું આ રીતે અકાળે મોત થવું તે અત્યંત ગંભીર વિષય છે. અદાલતે તપાસ એજન્સીઓને પૂરી પારદર્શિતા સાથે કામ કરવા સૂચના આપી છે. ત્વિશાના પરિવારે આક્ષેપ કર્યો છે કે 9 ડિસેમ્બર 2025 ના રોજ થયેલા લગ્નના થોડા જ સમયમાં દહેજની ભૂખે તેમની દીકરીનો જીવ લીધો છે. હાલમાં CBI એ ભારતીય ન્યાય સંહિતાની કલમ 80(2) અને 85 હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
