ED Raids Former CM Pinarayi Vijayan: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા CMRL મની લોન્ડરિંગ મામલામાં મોટી કાર્યવાહી કરતા કેરળના પૂર્વ મુખ્યમંત્રી પિનરાઈ વિજયનના નિવાસસ્થાન સહિત રાજ્યમાં કુલ 10 સ્થળોએ દરોડા પાડ્યા છે. બુધવારે ED અધિકારીઓએ તિરુવનંતપુરમમાં આવેલા પૂર્વ મુખ્યમંત્રીના ભાડાના મકાન પર પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
શું છે મની લોન્ડરિંગ કેસ અને આરોપ?
આ પણ વાંચો
તપાસ એજન્સી દ્વારા આ સમગ્ર કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કરવામાં આવી રહી છે. આ વિવાદ કોચીન મિનરલ્સ એન્ડ રૂટાઈલ લિમિટેડ (CMRL) કંપની સાથે સંકળાયેલો છે.
મુખ્ય આરોપ એ છે કે વર્ષ 2018 થી 2019 ના સમયગાળા દરમિયાન CMRL દ્વારા પિનરાઈ વિજયનની પુત્રી ટી. વીણાની IT કંપની 'એક્સાલોજિક સોલ્યુશન્સ' (Exalogic Solutions) ને 1.72 કરોડ રૂપિયાની ગેરકાયદેસર રીતે ચૂકવણી કરવામાં આવી હતી. તપાસમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, IT કંપનીએ CMRL ને કોઈપણ પ્રકારની સેવાઓ પૂરી પાડી ન હતી, છતાં આ જંગી રકમ ચૂકવવામાં આવી હતી.
આ પણ વાંચો: કર્ણાટક કોંગ્રેસમાં સત્તાનો નવો અધ્યાય: CM સિદ્ધારમૈયા જશે રાજ્યસભામાં, હવે કોણ સંભાળશે મુખ્યમંત્રી પદ?
કેરળ હાઈકોર્ટમાંથી પણ ન મળી રાહત
આ મામલે CMRL કંપનીને કેરળ હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. મંગળવારે હાઈકોર્ટે કંપનીની એ અરજીને ફગાવી દીધી હતી, જેમાં કંપનીએ ED દ્વારા થઈ રહેલી કાર્યવાહીને રદ કરવાની માંગણી કરી હતી.
નોંધનીય છે કે, આ ગંભીર આરોપોની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે ED દ્વારા વર્ષ 2024 માં પીએમએલએ (PMLA) કાયદા હેઠળ સત્તાવાર રીતે કેસ નોંધવામાં આવ્યો હતો.
