કર્ણાટક કોંગ્રેસમાં સત્તાનો નવો અધ્યાય: CM સિદ્ધારમૈયા જશે રાજ્યસભામાં, હવે કોણ સંભાળશે મુખ્યમંત્રી પદ?

તાજેતરમાં મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને સિદ્ધારમૈયાની લાંબી બેઠક યોજાઈ હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Wed, 27 May 2026 08:12 AM (IST)Updated: Wed, 27 May 2026 08:12 AM (IST)
karnataka-congress-leadership-change-siddaramaiah-resigns-dk-shivakumar-new-cm
HIGHLIGHTS
  • કર્ણાટક કોંગ્રેસમાં મોટો ફેરફાર
  • સિદ્ધારમૈયા આપશે રાજીનામું

Karnataka Congress government: કર્ણાટક કોંગ્રેસમાં મોટો રાજકીય ઉલટફેર જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના નેતૃત્વમાં ફેરફારની પ્રક્રિયા હવે શરૂ થઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પાર્ટી હાઈકમાન્ડ સિદ્ધારમૈયાને સન્માનજનક રીતે મુખ્યમંત્રી પદ પરથી હટાવીને વર્તમાન નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારને મુખ્યમંત્રી બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

6 કલાક લાંબી ચાલી મેરેથોન બેઠક

સૂત્રોના જણાવ્યા અનુસાર, તાજેતરમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, કેસી વેણુગોપાલ અને કર્ણાટક પ્રભારી રણદીપ સુરજેવાલા સાથે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમારની 6 કલાકથી વધુ લાંબી બેઠક યોજાઈ હતી, જેમાં નેતૃત્વ પરિવર્તનનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં રહ્યો હતો. 

સિદ્ધારમૈયા રાજ્યસભામાં જવા સંમત

આ બેઠક દરમિયાન રાહુલ ગાંધીએ સિદ્ધારમૈયાને પાર્ટીમાં રાષ્ટ્રીય ભૂમિકા ભજવવાનો પ્રસ્તાવ મૂક્યો અને તેમને એક સપ્તાહમાં જવાબ આપવા જણાવ્યું હતું. શરૂઆતમાં સિદ્ધારમૈયા પદ છોડવા માટે તૈયાર ન હતા, પરંતુ રાહુલ ગાંધીએ તેમને મનાવી લીધા. રાહુલ ગાંધી સાથેની ચર્ચા બાદ આખરે સિદ્ધારમૈયા રાજ્યની સત્તા છોડીને રાજ્યસભામાં જવા માટે તૈયાર થઈ ગયા છે.

જોકે, રાજ્યના નવા મંત્રીમંડળ અને રાજ્યસભામાં અન્ય સભ્યોના નામાંકનમાં સિદ્ધારમૈયાની પસંદગીને અગ્રતા આપવામાં આવશે. અગાઉ પણ નેતૃત્વ પરિવર્તનને લઈને બેઠક થતી હતી પરંતુ સિદ્ધારમૈયા સહમત ન હોવાથી કોંગ્રેસ કોઈ જોખમ લેવા માંગતી ન હતી, કારણ કે વિધાનસભામાં સિદ્ધારમૈયાના સમર્થક ધારાસભ્યોની સંખ્યા વધુ છે.

ત્રણ વર્ષ બાદ સત્તા પરિવર્તનનો રસ્તો સાફ

કર્ણાટકમાં સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચે અઢી-અઢી વર્ષની સત્તાની શરત સાથે સરકાર શરૂ થઈ હતી, અને હવે આખરે ત્રણ વર્ષ બાદ આ ફેરફારનો રસ્તો લગભગ સાફ થઈ ગયો છે. સોમવારે કર્ણાટકના બંને નેતાઓ પોતાના સમર્થક ધારાસભ્યોને લઈને દિલ્હી પહોંચ્યા હતા.

મંગળવારે યોજાયેલી બેઠક બાદ કેસી વેણુગોપાલે મીડિયાને જણાવ્યું કે, "તમે લોકો જે પણ અંદાજ લગાવી રહ્યા છો તે માત્ર અંદાજ છે. આજે અમે માત્ર કર્ણાટકની રાજ્યસભા અને કાઉન્સિલ બેઠકો પર ચર્ચા કરી છે." ઉમેદવારોની જાહેરાત છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની બેઠકો સાથે કરવામાં આવશે.

ટૂંક સમયમાં સિદ્ધારમૈયા આપશે રાજીનામું

જોકે, વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા અનુસાર સિદ્ધારમૈયા આગામી થોડા દિવસોમાં જ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપશે. નોંધનીય છે કે 1 જૂનના રોજ રાજ્યસભા ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવશે અને નામાંકનની પ્રક્રિયા શરૂ થશે. જ્યારે સિદ્ધારમૈયા રાજ્યસભા માટે પોતાનું ઉમેદવારી પત્ર નોંધાવશે, ત્યારે જ ડીકે શિવકુમારનો મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ સમારોહ યોજાશે.