સીમાંકન બિલ પર રાહુલ ગાંધીએ સરકારને ઘેરી, કહ્યું- 'વોટ ચોરી માટે ભાજપની નવી ચાલ, 850નો આંકડો લોકતંત્રની હત્યા'

રાહુલ ગાંધીએ સીમાંકન બિલ પર મોદી સરકારને ઘેરી, આરોપ લગાવ્યો કે મહિલા અનામતના બહાને લોકસભાની બેઠકો 850 કરવા પાછળ વોટ ચોરીનો ઈરાદો છે. તેમણે ભાજપ, મોદી, શાહ અને જ્ઞાનેશકુમાર પર ચૂંટણી પંચનો દુરુપયોગ કરીને ચૂંટણી નકશામાં ફેરફાર કરવાનો દાવો કર્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 28 Nov 2026 06:58 PM (IST)Updated: Sat, 28 Nov 2026 06:58 PM (IST)
rahul-gandhi-corners-the-government-over-the-delimitation-bill-says-bjp-new-strategy-for-vote-chori

National News: સીમાંકન બિલને (Delimitation Bill) સંસદમાં પાસ કરાવવા માટે સરકાર પાસે બે તૃતિયાંશ બહુમતીની વ્યવસ્થા થઈ ગઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મોદી કેબિનેટની લીલી ઝંડી મળ્યા બાદ સીમાંકન બિલને લોકસભામાં રજૂ કરવાનો માર્ગ મોકળો થઈ ચૂક્યો છે અને સાંસદોને તેની કૉપી પણ સોંપી દેવામાં આવી છે અને તેનો અભ્યાસ કરવાનું કહેવામાં આવ્યું છે. એવામાં લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) આ બિલ મુદ્દે મોદી સરકારને આડેહાથ લીધી છે.

રાહુલ ગાંધીએ જણાવ્યું કે, સરકારનું માનવું છે કે, લોકસભામાં 543ની જગ્યાએ 850 સાંસદ સભ્યો થઈ જવા જોઈએ. આ માટે તેઓ મહિલા અનામતનું બહાનું આગળ ધરે છે. મહિલા અનામત બિલ તો પહેલા જ પાસ થઈ ચૂક્યું છે. તેને કાલે જ લાગુ કરાવી શકાય છે, તો પછી આ 850 જ કેમ?

જેનો જવાબ આસામ અને જમ્મુ-કાશ્મીરમાં છૂપાયો છે, કારણ કે જ્યારે તમારી પાસે 850 બેઠકો હોય, તો તમે ભારતના ચૂંટણી નક્શામાં બહુ મોટા ફેરફાર કરી શકો છે અને તેને નવેસરથી તૈયાર પણ કરી શકો છો.

મોદી-શાહ અને જ્ઞાનેશકુમાર વોટ ચોરી માટે એક નવી યોજના લઈને આવ્યા

કોંગ્રેસના નેતાએ જણાવ્યું કે, અમારા પોલિંગ ડેટાથી સામે આવ્યું છે કે, ભારતના લગભગ 80 ટકા લોકો અને 100 ટકા જેન ઝીનું માનવું છે કે, નરેન્દ્ર મોદી, અમિત શાહ અને જ્ઞાનેશકુમાર વોટ ચોરી કરે છે. અમે વોટ ચોરીનો રસ્તો બંધ કરી દીધો, તો તેઓ હવે વોટ ચોરી માટે નવો રસ્તો લઈને આવ્યા છે.

ખુદ ચૂંટણી પંચે જણાવ્યું છે કે, 2024માં 14 કરોડ એવા લોકોએ મત આપ્યા, જેમણે વોટ નહતા આપવા જોઈતા, કારણ કે તેઓ વોટ આપવાને લાયક જ નહતા. જેનો અર્થ એ થયો કે, ખુદ ચૂંટણી પંચ પ્રમાણે, 2024ની ચૂંટણી અયોગ્ય હતી.

અમે મોદી, શાહ અને જ્ઞાનેશકુમારને ફસાવી દીધા, તેઓ પણ જાણે છેઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ દાવા સાથે જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરમાં સીટોનું પુનઃનિર્ધારણ કરવામાં આવ્યું. બિહારમાં અમે દેખાડ્યું કે, કેવી રીતે મતદારોના નામ હટાવવામાં આવ્યા. આસામમાં સંપૂર્ણ રાજ્યના માળખાને ભાજપના ફાયદા માટે બદલી દેવામાં આવ્યું. પશ્ચિમ બંગાળમાં પણ 100થી વધુ બેઠકો ચોરી લેવામાં આવી હતી.

અમે મોદી, શાહ અને જ્ઞાનેશકુમારને ફસાવી લીધા છે. તેઓ પણ જાણે જ છે અને અમે પણ. અમારી પાસે જ્ઞાનેશકુમાર વિશે એવી અનેક જાણકારી છે અને હવે તેઓ નહીં બચે. અમે ટૂંક સમયમાં આ તમામ જાણકારી લોકોની સમક્ષ લાવીશું.

ચૂંટણી પંચ પર કબજો જમાવી લેવામાં આવ્યો છે. હવે આ કામને અંજામ સુધી પહોંચાડવા માટે સીમાંકન આયોગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સીમાંકન આયોગની રચના મોદી અને શાહને સંપૂર્ણ નિયંત્રણ આપે છે અને જ્ઞાનેશકુમારના નિર્ણયોને કોર્ટમાં પડકારી પણ નહીં શકાય.