National News: મોદી સરકારે સંસદનું વિશેષ સત્ર બોલાવવાનું એલાન કરતાની સાથે જ સીમાંકન બિલને (Delimitation Bill) લઈને રાજકારણ ગરમાઈ ગયું છે. સરકારે સીમાંકન બિલને કાયદો બનાવવા માટે અનેક રાજકીય પાર્ટીઓનું સમર્થન મેળવી લીધુ છે. જ્યારે વિપક્ષી ગઠબંધન ઈન્ડિ આ બિલનો ઉગ્ર વિરોધ કરી રહ્યું છે. આજ કારણોસર વિપક્ષી ગઠબંધને રણનીતિ ઘડવા માટે બેઠક બોલાવી હતી. જેમાં ઈન્ડી ગઠબંધનના અનેક નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સીમાંકન બિલ પર ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે એક શબ્દ જેરીમેન્ડરિંગ (Gerrymandering) અચાનક છવાઈ ગયો છે. આખરે આ શબ્દનો શું અર્થ છે અને સીમાંકન બિલને લઈને વિપક્ષને કઈ વાતનો ડર સતાવી રહ્યો છે, તેના વિશે જાણીએ...
જેરીમેન્ડરિંગ શબ્દ ક્યાંથી આવ્યો અને તેનો શું અર્થ છે?
કેન્દ્ર સરકાર સીમાંકન બિલને કાયદો બનાવવાની તૈયારી કરી રહી છે. એવામાં વિપક્ષી ગઠબંધને એક ચિંતા સતાવી રહી છે કે, મત વિસ્તારોનું સીમાંકન 2029ની ચૂંટણીમાં ભાજપને જ ફાયદો થઈ શકે છે. આ સીમાંકન આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપની એકતરફી જીત કરી શકે છે. આજ ચિંતાને એક નામ આપવામાં આવ્યું છે, જેરીમેન્ડરિંગ...
'જેરીમેન્ડરિંગ' શબ્દનો અર્થ છે, રાજકીય લાભ ખાટવા માટે મતવિસ્તારોની સરહદોમાં ફેરફાર કરવો. સરળ શબ્દોમાં સમજીએ તો, 'જેરીમેન્ડરિંગ' મત વિસ્તારની સરહદોને એવી રીતે નક્કી કરવાની પ્રક્રિયા છે, જેનાથી કોઈ એક રાજકીય પાર્ટીને એટલી બેઠકો જીતવામાં મદદ મળે, જેટલી તેને મતદારો વચ્ચે પોતાના વાસ્તવિક સમર્થનના આધારે કદાચ ના મળી શકે. આવું મુખ્યત્વે બે રીતે થઈ શકે છે.
'જેરીમેન્ડરિંગ' શબ્દની ઉત્પતિ 1812માં અમેરિકામાં થઈ હતી. અમેરિકાના માસાચ્યુસેટના ગવર્નર એલબ્રિજ ગેરીના નામ અને સૈલામેન્ડર (એક પ્રકારની ખિસકોલી)ના શબ્દને મળીને બન્યો છે.
એલબ્રિજ ગેરીએ એક એવા બિલ પર હસ્તાક્ષર કર્યા, જેનાથી રાજ્યની સેનેટ ચૂંટણીના વિસ્તારોમાં એ પ્રકારે ફેરફાર નક્કી કરવામાં આવ્યા જેનાથી તેમની ડેમોક્રેટિક રિપબ્લિકન પાર્ટીને જ ફાયદો થાય.
26 માર્ચ 1812માં બોસ્ટન ગેઝેટ છાપામાં છપાયેલા એક કાર્ટુનમાં એક વિચિત્ર આકારના ચૂંટણી વિસ્તારમાંથી એકની સરખામણી સૈલામેન્ડર સાથે કરવામાં આવી હતી. બસ અહીંથી ગેરી મેન્ડર શબ્દનો જન્મ થયો. જે આગળ જતા અપભ્રંશ થઈને જેરીમેન્ડરિંગ તરીકે ઓળખાવા લાગ્યો.
એવું કહેવાય છે કે, ખુદ ગેરીને પણ આ પ્રસ્તાવ પસંદ નહતો પડ્યો અને તેઓ આગામી ચૂંટણી હારી ગયા હતા. જો કે તેમની પાર્ટીનો સત્તા પર કબજો જળવાઈ રહ્યો હતો. બસ ત્યારથી ચૂંટણી ક્ષેત્રમાં સીમાંકનને એક રાજકીય હથિયાર તરીકે ઉપયોગ કરવા માટે આ શબ્દનો ઉપયોગ થવા લાગ્યો.
વિપક્ષને ચૂંટણી હારવાનો અને સત્તા કાયમ માટે ભાજપના હાથમાં જવાનો ડર
વિપક્ષ ઈચ્છે છે કે, સીમાંકન પ્રક્રિયા નિષ્પક્ષ થાય અને ચૂંટણી ક્ષેત્રોમાં સીમાંકન એ રીતે ના નક્કી કરવામાં આવે, જેથી સત્તાધારી પાર્ટીને જ ફાયદો થાય. આ ચિંતા માત્ર આટલી જ નથી કે, દરેક રાજ્ય સંસદમાં કેટલા સાંસદો મોકલશે. ભલે દરેક રાજ્યને ફાળવવામાં આવેલી લોકસભા બેઠકોની વર્તમાન સંખ્યા યથાવત રહે, પરંતુ આમ છતાં તે રાજ્યોની અંદર મતવિસ્તારોની સીમાઓનું પુનઃનિર્ધારણ એ બદલી શકે છે કે, કયા મતદારોને એક જૂથમાં રાખવામાં આવે છે.
જેના પરિણામે અમુક રાજકીય પક્ષોના મજબૂત ગઢ નબળા પડી શકે છે અને વિવિધ મતવિસ્તારોમાં ચૂંટણીના પરિણામો બદલાઈ શકે છે. વિરોધ પક્ષોને આશંકા છે કે, આનાથી સત્તાધારી પક્ષને ફાયદો થઈ શકે છે અને તે પણ એ રીતે કે, જેમાં એક પણ મત બદલવાની કે મતદાર યાદીમાંથી કોઈના નામ દૂર કરવાની જરૂર જ ન પડે.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર આરોપ લગાવ્યો છે કે, 2029ની લોકસભા ચૂંટણી પહેલા પોતાના ફાયદા માટે ભારતના ચૂંટણી નક્શાને ફરીથી તૈયાર કરવા માંગે છે. જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ લોકતંત્ર બચાવવા તમામ પાર્ટીઓને એકજૂટ થવા હાકલ કરતાં જણાવ્યું કે, જો સીમાંકન બિલ પાસ થશે તો સત્તા કાયમ માટે ભાજપ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના હાથોમાં જતી રહેશે.
