સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ ચુસ્ત સુરક્ષા વચ્ચે તિરુપરનકુન્દ્રમની ટેકરી પર દિપથૂન સ્તંભ પર 'કાર્તિગાઈ દીપમ' પ્રગટાવાયો, મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તમિલનાડુના મદુરાઈમાં તિરુપરનકુન્દ્રમ પહાડ પર સ્થિત દીપથૂન સ્તંભ પર પરંપરાગત 'કાર્તિગઈ દીપમ' પ્રગટાવવામાં આવ્યો. અગાઉ દીપ પ્રાગટ્ય ન થતા સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર અને અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી, જેના પગલે ચુસ્ત સુરક્ષા વચ્ચે ભક્તોની હાજરીમાં આ દીપ પ્રગટ્યો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 28 Nov 2026 06:28 PM (IST)Updated: Sat, 28 Nov 2026 06:28 PM (IST)
karthigai-deepam-lit-atop-the-pillar-on-the-hill-of-tiruparankundram-amidst-tight-security

Tamil Nadu: તમિલનાડુના મદુરાઈમાં તિરુપરનકુન્દ્રમના પહાડ (Tiruparankundram Hill) પર સ્થિત દીપથૂન સ્તંભ (Deepathoon) પર પરંપરાગત 'કાર્તિગઈ દીપમ' (Karthigai Deepam) પ્રગટાવવામાં આવ્યો છે.

દેશની સર્વોચ્ચ અદાલતના આદેશ બાદ આજે 28 નવેમ્બર, શનિવારના રોજ સાંજે 5 વાગ્યે આ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું છે. દીપથૂન સ્તંભ પર દીપ પ્રાગટ્યનું દ્રશ્ય નિહાળવા માટે મોટી સંખ્યામાં ભક્તો અને હિન્દુ સંગઠનોના સભ્યો મંદિર પરિસરમાં એકઠા થયા હતા.

સુરક્ષાના ચાંપતા બંદોબસ્ત વચ્ચે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું

હકીકતમાં મંદિરનો વહીવટ સંભાળવા માટે હાઈકોર્ટે નિવૃત જસ્ટિસ એસ વૈદ્યનાથન અને જસ્ટિસ પાર્થિબનને રિસિવર તરીકે નિમણૂંક કર્યા હતા. જેમને સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન કરાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. જે બાદ મંદિર તેમજ સમગ્ર પહાડની સુરક્ષા CRPFને સોંપવામાં આવી હતી.

'કાર્તિગઈ દીપમ' પ્રગટાવતી વખતે ઢોલ-નગારા વગાડવામાં આવ્યા હતા. આ અવસરે લોકોની આંખોમાં ખુશીના આંસુ છલકાયા હતા. આ સાથે લોકોએ આ પર્વને ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તિરુપરનકુન્દ્રમ પહાડ પર કાર્તિગાઈ દીપમને પ્રગટતો નિહાળવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.

સુપ્રીમ કોર્ટે તમિલનાડુની વિજય સરકારનો ઉધડો લીધો

અગાઉ સર્વોચ્ચ અદાલતના આદેશ છતાં 4 દિવસ પહેલા 24 નવેમ્બરે દીપથૂન પર દીવો પ્રગટાવવામાં નહતો આવ્યો. જેનો વિરોધ કરી રહેલા હિન્દુ સંગઠનોના કેટલાક લોકોની અટકાયત પણ કરવામાં આવી હતી.

જે બાદ સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે કોર્ટની અવમાનનાની અરજીઓ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં પોતાના અગાઉના આદેશનું પાલન ના કરવા મુદ્દે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરવા સાથે તમિલનાડુની વિજય સરકારને ઝાટકી હતી. સુપ્રીમ કોર્ટે મંદિરના ટ્રસ્ટી બોર્ડને સસ્પેન્ડ કરી દીધુ હતુ. આટલું જ નહીં, તમિલનાડુના મુખ્ય સચિવ સહિત અનેક અધિકારીઓને કોર્ટના તિરસ્કારની નોટિસ ફટકારી હતી.