National News: દેશભરમાં સીમાંકન બિલને (Delimitation Bill) લઈને રાજકીય ધમાસાણ ચાલી રહ્યું છે, ત્યારે ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)એ આ બિલને પોતાનો ટેકો આપવાની જાહેરાત કરી દીધી છે. આ સાથે જ રાજ્યસભામાં BRSના ત્રણેય સાંસદો આ બિલ મુદ્દે સરકારને સમર્થન આપશે.
ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના કાર્યકારી અધ્યક્ષ કેટી રામા રાવે જણાવ્યું કે, બેઠકોમાં 50 ટકા વધારાના પ્રસ્તાવથી અમારી પાર્ટીની તમામ ચિંતાઓ દૂર થઈ ગઈ છે. તેલંગાણાના હિતોને સર્વોપરી રાખતા અમારા ત્રણેય રાજ્યસભા સાંસદો સીમાંકન બિલના પક્ષમાં મતદાન કરશે.
આ પણ વાંચો
તેલંગાણાની લોકસભા બેઠકો 17થી વધીને 26 થઈ જશે
વધુમાં કેટીઆરએ જણાવ્યુ કે, સીમાંકન મુદ્દે અમારું વલણ પહેલાથી જ સ્પષ્ટ રહ્યું છે. દક્ષિણ ભારતના સંસદીય પ્રતિનિધિત્વમાં કોઈ કમી ના આવવી જોઈએ. તેલંગાણા સાથે અન્યાય સહન નહીં કરવામાં આવે.
અમે સતત માંગ કરી છે કે, સંસદમાં દક્ષિણ ભારતની વર્તમાન 24 ટકા હિસ્સેદારી સુરક્ષિત રહેવી જોઈએ. બેઠકોની પ્રસ્તાવિત 50 ટકાના વધારો અમારી આ મુખ્ય ચિંતાનું સમાધાન કરે છે. આ સાથે જ તેલંગાણાની લોકસભા બેઠકોની સંખ્યા 17થી વધીને 26 થઈ જશે.
NCP-SP અને DMK પણ સરકારનું સમર્થન કરશે
સીમાંકન બિલ પાસ કરાવવા કેન્દ્ર સરકાર જરૂરી બે તૃતિયાંસ બહુમત મેળવવા મથી રહી છે. એવામાં તમિલનાડુની દ્વવિડ મુનેત્ર કડગમ (DMK)એ સીમાંકન બિલને ટેકો આપવાનું એલાન કર્યું છે. ચેન્નાઈમાં એમ.કે. સ્ટાલિનની અધ્યક્ષતામાં મળેલી સાંસદોની બેઠકમાં DMKએ સીમાંકન બિલને સમર્થન કરવા સાથે સંકળાયેલો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે. આ સિવાય નેશનલ કોંગ્રેસ પાર્ટી (NCP-SP) પણ આ બિલને સમર્થન આપવાની વાત કરી ચૂકી છે.
