તમિલનાડુમાં 'દીપથૂન' વિવાદ વકર્યો, હિન્દુ સંગઠનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ; જાણો સમગ્ર મામલો

મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવા અને ગેરકાયદેસર રીતે અટકાયતમાં લેવાયેલા લોકોને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 24 Nov 2026 10:18 PM (IST)Updated: Tue, 24 Nov 2026 10:18 PM (IST)
tamil-nadu-deepathoon-controversy-hindu-organizations-and-police-clash-madras-high-court-order

Tamil Nadu Deepathoon Controversy: તમિલનાડુના તિરુપ્પરંકુન્દ્રમમાં કાર્તિકાઈ દીપમ ઉત્સવ દરમિયાન પહાડી પર આવેલા પથ્થરના સ્તંભ 'દીપથૂન' પર દીવો પ્રગટાવવા મુદ્દે વિવાદ સર્જાયો છે. સુપ્રીમ કોર્ટના આદેશ છતાં પરંપરાગત સ્થળે દીવો ન પ્રગટાવતા હિન્દુ સંગઠનના સભ્યો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘટનાને પગલે વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો હતો.

દીપથૂન પર દીવો પ્રગટાવવાના મુદ્દે હોબાળો

તિરુપ્પરંકુન્દ્રમમાં મંગળવારે કાર્તિકાઈ દીપમ ઉત્સવ દરમિયાન દીવો પ્રગટાવવાના મુદ્દે ભારે વિવાદ થયો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ છતાં પહાડીની ટોચ પર આવેલા પરંપરાગત પથ્થરના સ્તંભ દીપથૂન પર દીવો પ્રગટાવવાને બદલે અરુલ્મિગાઈ ઉચિપિલ્લૈયાર મંદિરની ઉપર આવેલા સ્થળે દીવો પ્રગટાવવામાં આવ્યો હોવાના અહેવાલ છે.

હિન્દુ સંગઠનના સભ્યો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

આ ઘટનાથી નારાજ ભાજપ અને વિવિધ હિન્દુ સંગઠનોના નેતાઓ તથા કાર્યકરોએ પહાડી પર જવાના રસ્તાના પ્રવેશદ્વાર પાસે ધરણાં કર્યા હતા. તેમણે રાજ્ય સરકાર સામે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. પ્રદર્શનકારીઓને સ્થળ પરથી હટાવવા માટે પોલીસે કડક વલણ અપનાવ્યું હતું. પોલીસે લાઠીચાર્જ કરવાની ચેતવણી પણ આપી હતી.

પોલીસે સ્થળ પર તકતીમાં લખ્યું હતું કે, 'તમારી આ ભીડ ગેરકાયદેસર છે. તાત્કાલિક વિખેરાઈ જાઓ, અન્યથા લાઠીચાર્જ કરીને હટાવવાની કાર્યવાહી કરવામાં આવશે.' કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાના નામે પોલીસે રાજ્યભરમાં ભાજપના અનેક નેતાઓ અને હિન્દુ સંગઠનોના સભ્યોને સાવચેતીના પગલાં તરીકે અટકાયતમાં લીધા હતા.

મદ્રાસ હાઈકોર્ટની મદુરાઈ બેન્ચનો કડક આદેશ

આ ઘટનાને કારણે તિરુપ્પરંકુન્દ્રમ વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી. દિવસના અંતે આ મામલે નવો વળાંક આવ્યો હતો. મદ્રાસ હાઇકોર્ટની મદુરાઈ બેન્ચે તમિલનાડુ સરકાર અને સંબંધિત અધિકારીઓને સુપ્રીમ કોર્ટના 20 નવેમ્બરના આદેશનું કડક પાલન કરવાનો નિર્દેશ આપ્યો હતો.

હાઈકોર્ટે જિલ્લા કલેક્ટર, પોલીસ કમિશનર અને મંદિર વહીવટીતંત્રને પહાડીની ટોચ પર આવેલા દીપથૂન સ્તંભ પર દીવો પ્રગટાવવાની મંજૂરી આપવા આદેશ કર્યો હતો. આ ઉપરાંત, તિરુપ્પરંકુન્દ્રમમાં પ્રતિબંધાત્મક આદેશો હેઠળ ગેરકાયદેસર રીતે અટકાયતમાં લેવામાં આવેલા તમામ લોકોને તાત્કાલિક મુક્ત કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.

શું છે 'દીપથૂન' પર દીપ પ્રગટાવવાનો વિવાદ?

તિરુપ્પરંકુન્દ્રમ પહાડી પર આવેલા દીપથૂન સ્તંભ પર કાર્તિકાઈ દીપમ ઉત્સવ દરમિયાન પરંપરાગત તેલનો દીવો પ્રગટાવવાની માંગ હિન્દુ સંગઠનો અને શ્રદ્ધાળુઓ દર વર્ષે કરતા આવ્યા છે. આ પહાડીની તળેટીમાં સુબ્રમણ્યમ સ્વામી મંદિર આવેલું છે. જ્યારે પહાડીની ટોચની નજીક સિકંદર બાદશાહ દરગાહ અને એક શિવ મંદિર પણ આવેલા છે.

હિન્દુ પક્ષનો દાવો છે કે આશરે એક સદી જૂના સિવિલ કોર્ટના ચુકાદા અનુસાર દીપથૂન સ્તંભ મંદિરની માલિકીનો છે. બીજી તરફ, દરગાહના અધિકારીઓ અને મુસ્લિમ સંગઠનો આ સ્થળે દીવો પ્રગટાવવાનો વિરોધ કરી રહ્યા છે. તેમનો વિરોધ એ બાબતને લઈને છે કે આ સ્તંભ પૂજા સ્થળની અત્યંત નજીક આવેલો છે.

સુપ્રીમ કોર્ટે 20 નવેમ્બરે શું આદેશ આપ્યો હતો?

આ વિવાદમાં 20 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે 24 નવેમ્બરના રોજ દરગાહ પાસે આવેલ દીપથૂન સ્તંભ પર એક વખત પ્રતીકાત્મક રીતે દીવો પ્રગટાવવાની મંજૂરી આપી હતી. જોકે, સર્વોચ્ચ અદાલતે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે કેટલીક શરતો પણ મૂકી હતી. આ ધાર્મિક વિધિ માત્ર અધિકૃત ટીમ દ્વારા જ કરવામાં આવશે તેમ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત, પહાડીની ટોચ પર સામાન્ય જનતા, સરઘસ કે ભીડ એકત્રિત થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આમ, દીપથૂન પર દીવો પ્રગટાવવાના મુદ્દે ધાર્મિક પરંપરા, સ્થળની માલિકી અને કાયદો-વ્યવસ્થાને લઈને ચાલી રહેલો વિવાદ હવે કોર્ટના આદેશ બાદ વધુ ચર્ચામાં આવ્યો છે.