Twisha Sharma Case, Giribala Singh bail cancelled: ભોપાલના ચકચારી ત્વિષા શર્મા શંકાસ્પદ મૃત્યુ કેસમાં જબલપુર હાઈકોર્ટેના જસ્ટિસ દેવનારાયણ મિશ્રાની સિંગલ બેન્ચે પૂર્વ જજ ગિરિબાલા સિંહને ભોપાલ કોર્ટમાંથી મળેલી આગોતરા જામીન રદ કરી દીધા છે. બુધવારે પોણા ત્રણ કલાકની લાંબી દલીલ બાદ ગુરુવારે રાત્રે 1 વાગ્યા પછી આ ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો. હવે ગિરિબાલા સિંહ પર ધરપકડની તલવાર લટકી રહી છે.
પોસ્ટમોર્ટમ અને AIIMS રિપોર્ટમાં મોટા ખુલાસા
નોંધનીય છે કે, 9 ડિસેમ્બર 2025 ના રોજ ત્વિષાના લગ્ન ગિરિબાલા સિંહના પુત્ર અને વકીલ સમર્થ સિંહ સાથે થયા હતા. ત્યારબાદ 12 મે, 2026 ના રોજ ત્વિષાનો મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.
આ મામલે પ્રોસિક્યુશને હાઈકોર્ટને જણાવ્યું હતું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ફાંસી ઉપરાંત ત્વિષાના શરીર પર અન્ય છ ઇજાના નિશાન પણ જોવા મળ્યા છે. એઈમ્સ (AIIMS) ના રિપોર્ટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ ઇજાઓ મૃતદેહને નીચે ઉતારતી વખતે કે હોસ્પિટલ લઈ જતી વખતે થઈ નથી, જે કેસને વધુ શંકાસ્પદ બનાવે છે.
વોટ્સએપ ચેટ્સ અને માનસિક ત્રાસના પુરાવા
મૃતક ત્વિષાના પિતા તરફથી કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે, વોટ્સએપ (WhatsApp) ચેટ્સમાં પતિ અને સાસરિયાઓ દ્વારા દહેજ પ્રતાડના, ગર્ભ પર શંકા અને ગર્ભપાત માટે દબાણ કરવાના સ્પષ્ટ પુરાવા છે.
જબલપુર હાઈકોર્ટે એ પણ નોંધ્યું કે, વોટ્સએપ ચેટ અને સાક્ષીઓના નિવેદનોમાં સાસુ ગિરિબાલા સિંહ સામે સ્પષ્ટ આરોપ છે. સાસરિયા દ્વારા મૃતકને માનસિક ત્રાસ આપવાનો અને તેના ચારિત્ર્ય પર શંકા કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.
આ ઉપરાંત અરજદારે કોર્ટને જણાવ્યું હતું કે, ભોપાલના 10મા એડિશનલ સેશન્સ જજ દ્વારા 15 મે 2026 ના રોજ જામીન મળ્યા બાદ, ગિરિબાલા સિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને મૃતકની છબી ખરડવાનો પ્રયાસ પણ કર્યો હતો.
CBI દ્વારા કસ્ટોડિયલ પૂછપરછની માંગ
CBI અને રાજ્ય સરકારે કોર્ટમાં દલીલ કરી હતી કે આ કેસની તપાસ હજુ પ્રાથમિક તબક્કામાં છે, અને જામીન મળ્યા બાદ આરોપી તપાસમાં બિલકુલ સહકાર આપી રહ્યા નથી. આ સંજોગોમાં કેસના મૂળ સુધી પહોંચવા માટે આરોપીની કસ્ટોડિયલ પૂછપરછ (Custodial Interogation) અત્યંત જરૂરી છે.
જબલપુર હાઈકોર્ટે માન્યું કે, ટ્રાયલ કોર્ટે જામીન આપતી વખતે ઉપલબ્ધ સાક્ષ્ય અને ગવાહના નિવેદન પર પૂરતો વિચાર કર્યો ન હતો. સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાનો હવાલો આપતા હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે જો જામીન આદેશ તથ્યોની અવગણના પર આધારિત હોય તો તેને રદ કરી શકાય છે. આ સાથે જ 15 મે ના રોજ અપાયેલ આગોતરા જામીન ફગાવી દીધા હતા.
