Weather 3 September, આજનું હવામાન: દેશના ઘણા ભાગોમાં મુશળધાર વરસાદથી ભારે હાહાકાર મચ્યો છે. દિલ્હી સહિત ઉત્તર ભારતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદે તબાહી મચાવી છે. હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આગામી 24 કલાકમાં ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ખાસ કરીને હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં મુશળધાર વરસાદ આગાહી કરવામાં આવી છે. દિલ્હી NCR માં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે.
24 કલાકમાં ભારે વરસાદની સંભાવના
ભારતીય હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ પ્રમાણે સમગ્ર દેશમાં વરસાદી વાતાવરણ છે. રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ આફત બનીને વરસી રહ્યો છે. જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન જોવા મળી રહ્યું છે તો દિલ્હી સહિત અનેક જગ્યાએ પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે.

હવામાન વિભાગ અનુસાર બંગાળની ખાડીમાં નિમ્ન દબાણનું ક્ષેત્ર બની રહ્યું છે, જેના કારણે આગામી 24 કલાકમાં ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં મુશળધાર વરસાદ થવાની સંભાવના છે. ખાસ કરીને જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડને વરસાદથી રાહત મળવાના કોઈ સંકેત નથી.
આ રાજ્યોમાં આજે પડી શકે છે વરસાદ
હિમાચલ પ્રદેશના મંડી, કાંગડા, ઉના, બિલાસપુર, સિરમોર અને કિન્નૌર ઉપરાંત ઉત્તરાખંડના દેહરાદૂન, ઉત્તરકાશી, નૈનીતાલ, પૌરી ગઢવાલ, ટિહરી ગઢવાલ, બાગેશ્વર, ચમોલી, પિથોરાગઢ, રુદ્રપ્રયાગ અને ચંપાવતમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. હવામાન વિભાગે મહારાષ્ટ્ર, ગોવા સહિત કોંકણ તટ પર ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. 5 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે.
ગુજરાત અને ઓડિશામાં વરસાદની ચેતવણી
4 થી 6 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ઓડિશામાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી અને બંગાળની ખાડીમાં ચક્રવાતનો ખતરો છે.

યુપી-બિહારમાં વરસાદની ચેતવણી
યુપી-બિહારના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરીને લોકોને ઘરોમાં રહેવાની અપીલ કરવામાં આવી છે. પશ્ચિમ યુપીના મથુરા, આગ્રા, મેરઠ, બાગપત, શામલી, સહારનપુર, સંભલ, બુદાયું અને ઇટાવા સહિત આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદની આશંકા છે. જ્યારે, બિહારના પૂર્ણિયા, કિશનગંજ, બેગુસરાય અને કટિહારની આસપાસના જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
દિલ્હી NCR માં શાળા બંધ
દિલ્હી NCR માં આજે વાવાઝોડા સાથે ભારે વરસાદ થવાની સંભાવના છે. IMD એ રાજધાનીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જેના પગલે દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદમાં પ્રશાસને નર્સરીથી 12મા ધોરણ સુધીની શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. હથિનીકુંડ ડેમ ખોલવા અને મુશળધાર વરસાદને કારણે યમુના નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.

પંજાબ, હરિયાણામાં કેવું રહેશે હવામાન
હરિયાણામાં આગામી 36 કલાક ભારે વરસાદનું એલર્ટ છે. પંજાબમાં આગામી 24 થી 36 કલાકમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.