Punjab Floods 2025 Latest News: પંજાબની ભગવંત માન સરકારે સમગ્ર રાજ્યને આપત્તિગ્રસ્ત રાજ્ય જાહેર કર્યું છે. પૂરના કારણે 7 સપ્ટેમ્બર સુધી રાજ્યના તમામ શૈક્ષણિક સંસ્થાનો બંધ રહેશે. રાજ્યના 23 જિલ્લાઓમાં લગભગ 1400 ગામો પૂરની ઝપેટમાં આવી ગયા છે.
પંજાબમાં પૂરને કારણે 30 લોકોના મોત
આ ભયાનક પૂરના કારણે 30 લોકોના મોત થયા છે અને 3.5 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. અત્યાર સુધીમાં 20,000 જેટલા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. પંજાબ 1988 પછીના સૌથી ભીષણ પૂરનો સામનો કરી રહ્યું છે. મંગળવારે જાહેર કરાયેલા બુલેટિન મુજબ રાજ્યના તમામ 23 જિલ્લાઓને પૂરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે.

પૂર પીડિતો માટે રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ MPLADS ફંડમાંથી 3.25 કરોડ રૂપિયાની સહાય જાહેર કરી છે. આમાં 2.75 કરોડ ગુરદાસપુર જિલ્લામાં પૂર સુરક્ષા બંધોના સમારકામ માટે અને 50 લાખ અમૃતસર જિલ્લામાં રાહત કાર્યો માટે છે. પંજાબના તમામ IPS અધિકારીઓએ પણ મુખ્યમંત્રી રાહત ફંડમાં એક દિવસનો પગાર આપવાનો સંકલ્પ લીધો છે.

પંજાબના રાજ્યપાલ ગુલાબ ચંદ કટારિયા અને મુખ્યમંત્રી ભગવંત માન મંગળવારે વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. ફિરોઝપુર જિલ્લાના પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લેતી વખતે ભાવુક થયેલા ભગવંત માને કહ્યું કે પંજાબ હંમેશા સંકટ સમયે દેશની સાથે ઉભું રહ્યું છે અને આશા છે કે દેશ પણ હવે તેમની સાથે ઉભો રહેશે.

પૂરના પાણીમાં ધોવાયો પાક
પૂરથી 3.75 લાખ એકર પાક પાણીમાં વહી ગયો છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તાધિકારીઓને (DDMA) તાત્કાલિક રાહત અને ટેલિકોમ ઓપરેટરોને કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવા નિર્દેશ અપાયા છે. રૂપનગર જિલ્લામાં પાંચ ગામોમાં રાહત શિબિરો સ્થાપિત કરાયા છે. ભાખરા બંધનું જળસ્તર મહત્તમ મર્યાદા નજીક 1,678 ફૂટ સુધી પહોંચ્યું છે. આગામી 24 થી 36 કલાકમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે.

ભારે વરસાદને કારણે થયેલી આફતનો ભોગ બનેલા પંજાબ અને જમ્મુ અને કાશ્મીરના લોકો સાથે એકતા વ્યક્ત કરતા હરિયાણા સરકારે મંગળવારે મુખ્યમંત્રી રાહત ભંડોળમાંથી બંને રાજ્યોને 5 5 કરોડ રૂપિયાની નાણાકીય સહાય જાહેર કરી હતી.