Jharkhand Accident:ઝારખંડના રામગઢ જિલ્લામાંથી પસાર થતા રાંચી-પટના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર રવિવારે વહેલી સવારે એક અત્યંત કરુણ માર્ગ અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં 13 શ્રદ્ધાળુના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. મૃતકોમાં પાંચ પુરુષ, ચાર મહિલા અને ચાર બાળકોનો સમાવેશ થાય છે. તમામ શ્રદ્ધાળુઓ બિહારના નાલંદા જિલ્લાના વતની હતા અને દર્શન માટે પ્રસિદ્ધ રજરપ્પા મંદિર તરફ જઈ રહ્યા હતા.
મધરાતે બની ઘટના
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે નાલંદા જિલ્લાના જંઘારો ગામથી કુલ 14 લોકો એક SUV વાહનમાં સવાર થઈને રજરપ્પા જવા નીકળ્યા હતા. હાઈવે પર પહોંચ્યા બાદ અચાનક વાહન પરનો કાબૂ ગુમાવતા એસયુવી ગંભીર અકસ્માતનો ભોગ બની હતી. આ ગમખ્વાર ઘટનામાં 13 લોકોએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે વાહનમાં સવાર માત્ર એક જ વ્યક્તિ બચી શક્યો છે, જેની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે. ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે રામગઢ સદર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
ગ્રામજનોની મદદ અને પોલીસ તપાસ
અકસ્માતનો જોરદાર અવાજ સાંભળીને નજીકના ગામના લોકો તરત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. સ્થાનિક રહીશોએ પડી ગયેલા અને ક્ષતિગ્રસ્ત થયેલા વાહનમાંથી લોકોને બહાર કાઢ્યા હતા અને ઘાયલને હોસ્પિટલ પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને જરૂરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, અકસ્માત કયા સંજોગોમાં અને કેવી રીતે થયો તે અંગે વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
