Delhi Mumbai Expressway Accident: હરિયાણાના નૂંહ જિલ્લાના ફિરોજપુર ઝિરકા વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે, અહીં શુક્રવાર રાત્રે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભીષણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે બે લોકો ગંભીરરુપે ઘાયલ થયા છે.
કારની સ્પિડ વધારે હોવાથી સંતુલન બગડી ગયું
આ પણ વાંચો
આ ઘટના અંગે સામે આવેલી વિગતો અનુસાર, આ કારની સ્પિડ વધારે હોવાથી સંતુલન બગડી ગયું અને કાર ડિવાડર સાથે અથડાઈ ગઈ. મૃતક પરિવાર જયપુરના શેઠી કોલોનીમાં રહેતો હતો. આ દૂર્ઘટના સાઈમીર બાસ ગામ પાસે બની હતી. જયપુરનો આ પરિવાર કોઈ કામ અર્થે દિલ્હી આવ્યો હતો. શુક્રવારે જ્યારે તેઓ જયપુર પરત ફરી રહ્યા હતા ત્યારે એક્સપ્રેસ વે પર અકસ્માત નડ્યો.
પરિવારનો માળો વિંખાયો
પ્રાપ્ત માહિતી અનુસાર આ કારમાં જયપુરનો આખો પરિવાર મુસાફરી કરી રહ્યો હતો. જયપુરની સેઠી કોલોનીમાં રહેતો આ પરિવાર કોઈ કામ અર્થે દિલ્હી ગયો હતો. મહતાબ સિંહ (50 વર્ષ) પોતાની ગ્રાન્ડ વિટારા કારથી પોતાની પત્ની કામિની, માતા અમૃત કૌર, ભાઈ વિરેન્દ્ર અને તેમના પત્ની જસલીન કૌર સાથે દિલ્હીથી પરત ફરતા હતા ત્યારે અકસ્માત નડ્યો.
ઘાયલ બે લોકોની હાલત ગંભીર
આ અકસ્માતમાં મહતાબ સિંહ (કાર ચલાવતા હતા) અને જસલીન કૌરનું ઘટનાસ્થળે જ મોત થયું. જ્યારે અમૃત કૌરનું હોસ્પિટલે લઈ જતી વખતે રસ્તામાં મોત થયું. તો કારમાં સવાર વિરેન્દ્ર સિંહ અને કામિની સિંહ(મહતાબ સિંહના પત્ની)ની સારવાર ચાલી રહી છે. આ બન્નેની સારવાર ગુરુગ્રામન એક ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે. જ્યાં તેની સ્થિતિ ગંભીર હોવાની વાત સામે આવી છે.
પોલીસ પહોચી ઘટનાસ્થળે
ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલે મોકલ્યા હતા. આ અકસ્માતમાં મોતને ભેટેલા મહતાબ સિંહના ભાણેજ સાર્થકે જણાવ્યું કે, મહતાબ સિંહનો ભાઈ ઓસ્ટ્રેલિયા રહે છે, જેને આ અકસ્માતની જાણ કરી દેવામાં આવી છે. તે શનિવારે સાંજ સુધીમાં ભારત આવી જશે.
આ અકસ્માતની જાણ થતા જ ડાયલ 112 ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. એએસઆઈ સંજીતે જણાવ્યું કે, ઘાયલ લોકોને સ્થાનિક લોકોની મદદથી સારવાર માટે આફિયા હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા. જ્યારે મૃતકોના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે.
