Bharuch Accident: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર આજે વહેલી સવારે એક અત્યંત હૃદયદ્રાવક અને ગમખ્વાર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. ભરૂચ જિલ્લાના દેરોલ ગામ નજીકથી પસાર થતા એક્સપ્રેસ હાઈવે પર આશરે 5:30 વાગ્યાના સુમારે, લગ્નપ્રસંગમાં હાજરી આપવા જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસ અને આગળ જઈ રહેલા ટેન્કર વચ્ચે ધડાકાભેર ટક્કર સર્જાઈ હતી. આ ભયાનક અકસ્માતમાં બે મુસાફરોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 6થી 7 વર્ષની વયના નાના ભૂલકાંઓ સહિત આશરે 30થી 35 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.
બસ અને ટેન્કર વચ્ચે ગોઝારો અકસ્માત
પ્રાપ્ત વિગતો અનુસાર, આ લક્ઝરી બસ સૌરાષ્ટ્રના ધોરાજી પંથકમાંથી પરિવારજનો અને સગાંસંબંધીઓને લઈને સુરત ખાતે આયોજિત એક લગ્નપ્રસંગમાં જઈ રહી હતી. વહેલી સવારનો સમય હોવાથી બસમાં સવાર મોટાભાગના મુસાફરો ગાઢ નિદ્રામાં હતા. તે જ સમયે દેરોલ નજીક બસ અને ટેન્કર વચ્ચે જોરદાર અકસ્માત થયો હતો. ટક્કર એટલી પ્રચંડ હતી કે તેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો અને બસના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો. લગ્નના ગીતો અને ઉત્સાહનો માહોલ ક્ષણવારમાં જ ચીસાચીસ અને આક્રંદમાં ફેરવાઈ ગયો હતો. ઘટનાને પગલે હાઈવે પર ભારે અફરાતફરી અને ગભરાટનું વાતાવરણ સર્જાયું હતું.
ઘટનાની જાણ થતાં લોકો મદદે દોડી આવ્યા
અકસ્માતની જાણ થતાં જ રાહદારીઓ અને સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 ઈમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી. બનાવની ગંભીરતા અને ઈજાગ્રસ્તોની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને ભરૂચ તેમજ આસપાસના વિસ્તારોમાંથી 7થી 8 જેટલી 108 એમ્બ્યુલન્સનો કાફલો ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યો હતો. આ અંગે 108 એમ્બ્યુલન્સના ઈ.એમ.ટી. અસ્મા મલેકે માહિતી આપતા જણાવ્યું હતું કે, અકસ્માત સ્થળે પહોંચીને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
30થી વધુ ઈજાગ્રસ્તોને સિવિલે ખસેડ્યા
ઈજાગ્રસ્તોમાં નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. કેટલાક મુસાફરોને સામાન્ય ઈજાઓ થઈ છે, જ્યારે અમુક મુસાફરોની હાલત ગંભીર જણાઈ રહી છે. તમામ 30થી 35 ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપીને વધુ સઘન સારવાર અર્થે તાત્કાલિક ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હાલ પોલીસ દ્વારા પણ ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિક હળવો કરવાની અને અકસ્માત અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
