Jharkhand Accident: પોલીસ અને સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સંગીત મંડળીના સભ્યો પિકઅપ વાન નંબર: JH 02Q-8268 માં સવાર થઈને ગોલા તરફથી રામગઢ આવી રહ્યા હતા. બરાબર એ જ સમયે વિરૂદ્ધ દિશામાંથી પૂરપાટ ઝડપે અને બેદરકારીપૂર્વક આવી રહેલી કોલસાથી ભરેલી એક એલપી ટ્રકે (નંબર: JH 02AA-4786) પિકઅપ વાનને સામેથી જોરદાર ટક્કર મારી દીધી હતી. હાઈવે પર થયેલી આ ટક્કર એટલી જોરદાર હતી કે પિકઅપ વાનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને વાહનમાં સવાર લોકોને બહાર નીકળવાની તક પણ મળી નહોતી.
મોહરમનો કાર્યક્રમ પતાવી પરત ફરી રહી હતી 'તાશા પાર્ટી'
અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો 'તાશા પાર્ટી'ના સભ્યો હતા. તેઓ ગોલા વિસ્તારમાં આયોજિત મોહરમના એક કાર્યક્રમમાં પોતાની પ્રસ્તુતિ પૂરી કરીને મોડી રાત્રે પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, પરંતુ ઘર પહોંચે તે પહેલા જ કાળ આંબી ગયો હતો. અકસ્માતનો ભોગ બનેલા તમામ મૃતકોની ઉંમર આશરે 35 થી 40 વર્ષની વચ્ચે હોવાનું સામે આવ્યું છે. આ મંડળીના સભ્યોમાંથી બે યુવાનો રામગઢના રાજરપ્પા પોલીસ સ્ટેશન વિસ્તારના મારંગમાર્ચા ગામના વતની હતા, જ્યારે અન્ય પાંચ મૃતકો કુજુ વિસ્તારના બાલસાગરા ગામના રહેવાસી હતા. એકસાથે ૭ યુવાનોના મોતના સમાચારથી બંને ગામોમાં માતમ છવાઈ ગયો છે.
ઈજાગ્રસ્તની સ્થિતિ: આ અકસ્માતમાં એક યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે. તેને ઘટનાસ્થળેથી બચાવીને તાત્કાલિક રામગઢ સદર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, તેની અત્યંત નાજુક હાલતને જોતા તબીબોએ પ્રાથમિક સારવાર આપી વધુ અદ્યતન સારવાર માટે રાંચીની 'રિમ્સ' (RIMS) હોસ્પિટલમાં રિફર કર્યો છે, જ્યાં તે હાલ જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.
ગ્રામજનોનો ભારે આક્રોશ જોવા મળ્યો
અકસ્માતની જાણ થતાં જ રાજરપ્પા પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે કલાકોની જહેમત બાદ વાહનમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. પોલીસે અકસ્માત સર્જનાર કોલસાથી ભરેલી ટ્રકને ઘટનાસ્થળેથી જપ્ત કરી લીધી છે, પરંતુ અકસ્માત બાદ તકનો લાભ ઉઠાવીને ટ્રક ચાલક અંધારામાં ફરાર થઈ ગયો હતો, જેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
હાઈવે પર કલાકો સુધી ચક્કાજામ સર્જાયો હતો
આ ભયાનક ઘટનાથી રોષે ભરાયેલા સ્થાનિક ગ્રામજનો શુક્રવારે વહેલી સવારથી જ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને હાઈવે જામ કરી દીધો હતો. ગ્રામજનોની મુખ્ય માંગણીઓ નીચે મુજબ હતી:
- 1) મૃતકોના આશ્રિત પરિવારોને સરકાર તરફથી તાત્કાલિક યોગ્ય વળતર આપવામાં આવે.
- 2) હાઈવે પરથી પસાર થતા અનિયંત્રિત અને ઓવરસ્પીડ વાહનોની ગતિ પર અંકુશ લાવવા માટે વહીવટીતંત્ર કડક પગલાં ભરે.
આ વિરોધ પ્રદર્શનના કારણે રામગઢ-બોકારો હાઈવેની બંને બાજુએ શુક્રવારની સવાર સુધી વાહનોની માઇલો લાંબી કતારો લાગી ગઈ હતી, જેના લીધે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. બાદમાં પોલીસ અને વહીવટી અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી ગ્રામજનોને યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી મામલો શાંત પાડ્યો હતો અને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.
