Lemon Water Disadvantages: વિટામિન Cથી ભરપુર લીંબુ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદેમંદ છે. જે શરીરને હાઈડ્રેટ રાખવા, ઈમ્યુનિટી વધારવા, વજન ઘટાડવા અને પાચન સુધારવામાં મદદ કરે છ. લીંબુ પાણીના અઢળક ફાયદાના કારણે જ દરેક જણ તેને પીવાનું પસંદ કરતાં હોય છે.
આપણામાંથી ઘણા લોકો વજન ઉતારવા માટે વહેલી સવાર ખાલી પેટ લીંબુ પાણી પીતા હોય છે, પરંતુ દરેક જણ માટે સવારના પહોરમાં લીંબુ પાણી પીવું ફાયદેમંદ નથી હોતુ. કેટલાક લોકોને ભૂખ્યા પેટે લીંબુ પાણી પીવાથી ફાયદાની જગ્યાએ નુકસાન પણ થઈ શકે છે, તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ…
એસિડિટી: જો તમે ખાલી પેટ લીંબુ પાણી પીવો છો, તો તમને એસિડિટીની સમસ્યા વધી શકે છે. ખાસ કરીને એવા લોકોએ ભૂખ્યા પેટે લીંબુ પાણી પીવાનું ટાળવું જોઈએ, જેમને એસિડિટીની સમસ્યા રહેતી હોય. લીંબુમાં સાઈટ્રિક એસિડ હોય છે, જે એસિડિટી વધારે છે.
સંધિવાની સમસ્યા: જે લોકો સાંધામાં દુખાવાની અર્થાત સંધિવાની સમસ્યા રહેતી હોય, તેમણે લીંબુ પાણી પીવાનું ટાળવું જોઈએ. હકીકતમાં લીંબુમાં રહેલ એસિડ હાડકાના કેલ્શિયમને ઓગાળે છે. જેના પરિણામે હાડકા નબળા પડવા લાગે છે. જેના કારણે સાંધામાં દુખાવાની સમસ્યા વકરી શકે છે. આથી આવા લોકોએ ખાલી પેટ લીંબુ પાણી પીવાનું ટાળવું જોઈએ.

દાંતમાં સેન્સેટિવિટી: લીંબુમાં સાઈટ્રિક એસિડ હોય છે. જે દાંતના ઉપરના પડને નુકસાન પહોંચાડે છે. આથી જો તમારા દાંતમાં સેન્સેટિવિટી અર્થાત ઝણઝણાટીની સમસ્યા હોય, તો તમારી આ સમસ્યા વધી શકે છે. લીંબુમાં મળી આવતું એસિડ દાંતની સંવેદનશીલતા વધારે છે. જેનાથી દાંતની સુરક્ષા કરનાર ઈનેમલ નબળા પડી જાય છે.
કિડનીને નુકસાન: જે લોકોને કિડનીની સમસ્યા હોય, તેમણે ખાલી પેટ લીંબુ પાણી ભૂલથી પણ ના પીવું જોઈએ. હકીકતમાં ભૂખ્યા પેટે લીંબુ પાણી કિડની પર દબાણ વધારે છે. જેના પરિણામે અનેક ગંભીર બીમારી પણ થઈ શકે છે. ક્રોનિક કિડની ડિસીઝમાં પણ લીંબુ પાણી પીવું યોગ્ય નથી હોતુ.
એલર્જી: આવું ભાગ્યે જ થતું હોય છે, પરંતુ કેટલાક લોકોને લીંબુ સહિત ખાટા ફળોની એલર્જી થઈ શકે છે. જો તમને લીંબુ ખાધા પછી શરીર પર ખંજવાળ કે રેશીજ જેવી સમસ્યા હોય, તો તમારે લીંબુ પાણી ના પીવું જોઈએ.