Dengue Fever Signs: વરસાદની ઋતુ પોતાની સાથે ડેન્ગ્યુ સહિત અનેક રોગો લઈને આવે છે. વરસાદને કારણે ઠેર-ઠેર પાણી જમા થવા લાગે છે, જેના કારણે મચ્છરોનો ત્રાસ વધી જાય છે અને રોગચાળો ફેલાય છે. ડેન્ગ્યુ પણ મચ્છરના કરડવાથી થતો રોગ છે, જેની સમયસર સારવાર ન કરવામાં આવે તો તે જીવલેણ નીવડી શકે છે. આથી ડેન્ગ્યુના લક્ષણોને સમયસર ઓળકીને તાત્કાલિક તબીબની સલાહ લેવી જોઈએ. તો ચાલો ડેન્ગ્યુના 5 લક્ષણો વિશે વિગતવાર જાણીએ, જેને તમારે સાધારણ સમજીને અવગણ્યા વિના દવાખાને જવું જોઈએ.
તીવ્ર તાવ: ડેન્ગ્યુનું પહેલું અને સૌથી સામાન્ય લક્ષણ અચાનક ખૂબ જ તાવ આવવો છે. આ તાવ 102°F થી 104°F સુધીનો હોઈ શકે છે. તીવ્ર તાવની સાથે-સાથે ઠંડી અને પરસેવો પણ થઈ શકે છે. સામાન્ય ફ્લૂ અથવા વાયરલ તાવથી વિપરીત ડેન્ગ્યુ તાવમાં દવા લીધા બાદ પણ શરીર ગરમ જ રહે છે.
માથા-આંખમાં દુખાવો: ડેન્ગ્યુના દર્દીઓ ખાસ કરીને આંખો પાછળ અને કપાળના ભાગમાં તીવ્ર દુખાવાની ફરિયાદ કરે છે. આ સાથે આંખોમાં તીવ્ર દુખાવો, ખાસ કરીને આંખો પટપટાવતી વખતે દુખાવો પણ ડેન્ગ્યુની નિશાની હોઈ શકે છે. આ દુખાવો એટલો તીવ્ર હોઈ શકે છે કે દર્દીને ચક્કર આવવા લાગે છે.
મસલ્સ અને સાંધામાં દુખાવો: ડેન્ગ્યુને હાડકા તોડ તાવ પણ કહેવામાં આવે છે, કારણ કે તેનાથી પીડિત વ્યક્તિને મસલ્સ અને સાંધામાં અસહ્ય દુખાવો થાય છે. આ દુખાવો એટલો તીવ્ર હોઈ શકે છે કે, દર્દીને ચાલવામાં કે સામાન્ય કામ કરવામાં મુશ્કેલી પડવા લાગે છે.
સ્કિન પર ફોલ્લીઓ થવી: ડેન્ગ્યુ તાવ આવ્યાના 2-3 દિવસ પછી શરીર પર ફોલ્લીઓ દેખાઈ શકે છે. આ ફોલ્લીઓ નાની અને લાલાશ પડતી હોય છે. જે મોટાભાગે ચહેરા, છાતી, હાથ અને પગ પર જોવા મળે છે, ક્યારેક તેમાં ખંજવાળ આવતી હોય છે.
ઉલટી થવી અને નબળાઈનો અહેસાસ: ડેન્ગ્યુના દર્દીઓને ઉબકા, ઉલટી અને ભૂખ ન લાગવાની સમસ્યા થઈ શકે છે. આ ઉપરાંત શરીરમાં પ્લેટલેટ્સની સંખ્યા ઝડપથી ઘટવા લાગે છે. જેના કારણે નબળાઈ, થાક અને ચક્કર આવે છે. ગંભીર કિસ્સાઓમાં નાક અથવા પેઢામાંથી લોહી નીકળવું, પેટમાં તીવ્ર દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો દેખાઈ શકે છે.
ડેન્ગ્યુથી બચવા માટે શું કરવું?
- મચ્છરોથી બચવા માટે મચ્છરદાનીનો ઉપયોગ કરો.
- ઘરની આસપાસ પાણી જમા ન થવા દો. કુલર, વાસણ, ટાયર વગેરે સાફ રાખો.
- આખી બાંયના કપડાં પહેરો અને મચ્છર ભગાડનાર ક્રીમનો ઉપયોગ કરો.
- જો તમને ડેન્ગ્યુના લક્ષણો દેખાય, તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો અને તમારા પ્લેટલેટ કાઉન્ટની તપાસ કરાવો.