Immune Cells:સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે આપણી રોગપ્રતિકારક પ્રણાલી બહારના ચેપ સામે કવચ બનીને શરીરનું રક્ષણ કરે છે. પરંતુ ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન (આઈઆઈટી) મંડીના સંશોધકોએ એક મહત્વપૂર્ણ તારણ રજૂ કર્યું છે. આ અભ્યાસ મુજબ પેટમાં થતા જોખમી બેક્ટેરિયલ ચેપ હેલિકોબેક્ટર પાઈલોરીનો સામનો કરતી વખતે શરીરની સંરક્ષક કોષિકાઓ અજાણતામાં પેટની તંદુરસ્ત કોષિકાઓને જ નુકસાન પહોંચાડવા લાગે છે.સામાન્ય રીતે પેટને લગતી સમસ્યા અનેક કારણો જોડાયેલા હોય છે, જેમ કે આહાર, પાણી, હવામાન આ તમામ સંજોગોમાં બેક્ટેરિયાની વૃદ્ધિને વેગ મળી સ્થિતિ સર્જાય ત્યારે પેટજન્ય સમસ્યા ઉભી થાય છે.
સૂક્ષ્મ પેકેટ્સ અને રક્ષણાત્મક તત્વોની બદલાતી ભૂમિકા
આઈઆઈટી મંડીના પ્રોફેસર ડો. અમિત પ્રસાદ અને તેમની સંશોધન ટીમનો આ અભ્યાસ આંતરરાષ્ટ્રીય સંશોધન સામયિક ‘જર્નલ ઓફ એક્સ્ટ્રાસેલ્યુલર વેસિકલ્સ’માં પ્રસિદ્ધ થયો છે.
સંશોધન મુજબ, જ્યારે પેટમાં એચ. પાઈલોરી બેક્ટેરિયાનો ચેપ લાગે છે, ત્યારે શરીરની શ્વેત રક્ત કોષિકાઓ (ન્યુટ્રોફિલ્સ) સક્રિય થાય છે. આ કોષિકાઓ પરપોટા જેવા અત્યંત નાના કણો મુક્ત કરે છે, જેને એક્સ્ટ્રાસેલ્યુલર વેસિકલ્સ (ઈવી) કહેવામાં આવે છે. આ સૂક્ષ્મ પેકેટ્સ કોષિકાઓ વચ્ચે સંદેશા અને જરૂરી તત્વો પહોંચાડવાનું કામ કરે છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ચેપ દરમિયાન આ વેસિકલ્સની સંખ્યા અને કદ બંનેમાં ફેરફાર થાય છે, તેમજ તેમાં ‘એલએલ-૩૭’ નામના કુદરતી એન્ટિમાઈક્રોબાયલ તત્વનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધે છે.
સારવાર અને વહેલા નિદાન માટે નવી દિશા
પ્રો. અમિત પ્રસાદના જણાવ્યા અનુસાર કોઈપણ બીમારીને સમજવા માટે માત્ર બેક્ટેરિયા વિશે જાણવું પૂરતું નથી; શરીર તે બેક્ટેરિયા સામે કેવી પ્રતિક્રિયા આપે છે તે જાણવું પણ એટલું જ જરૂરી છે. આ તારણો ભવિષ્યમાં પેટના અલ્સર અને ચેપથી થતા નુકસાનને અટકાવવા માટે નવી દવાઓ વિકસાવવામાં તેમજ સમસ્યાની શરૂઆતના તબક્કે ઓળખ કરવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે.
