Onion Juice For Hair: વાળમાં ડુંગળીનો રસ લગાવવાની સાચી રીત જાણી લો, નહીંતર ફાયદાની જગ્યાએ થશે નુકસાન

ડુંગળીના રસમાં સલ્ફર, વિટામિન C, B અને E મળી આવે છે, જે વાળને પોષણ આપે છે. જેને સ્કેલ્પમાં લગાવવાથી વાળ મૂળમાંથી મજબૂત બને છે.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sat 06 Sep 2025 09:10 PM (IST)Updated: Sat 06 Sep 2025 09:10 PM (IST)
beauty-tips-in-gujarati-how-to-make-onion-juice-for-hair-598649
HIGHLIGHTS
  • આયુર્વેદિક ડોક્ટર સલીમ જૈદીએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર વીડિયો શેર કર્યો
  • કાચી ડુંગળીનો રસ નીકાળીને તરત જ માથામાં લગાવવાની ભૂલ ના કરવી

Onion Juice For Hair: ડુંગળીનો રસ વાળ માટે ખૂબ જ ઉમદા માનવામાં આવે છે. આથી જ ઘણાં લોકો ડુંગળીનો રસ નીકાળીને પોતાના વાળમાં લગાવે છે. તમે પણ ઘરના વડીલો પાસેથી સાંભળ્યું જ હશે કે, ડુંગળીનો રસ માથામાં લગાવો. જેથી વાળનો ગ્રોથ સારો થાય અને વાળ મૂળથી મજબૂત થાય. જો કે ડુંગળીનો રસ લગાવવાની સાચી રીત તમને ખબર નહીં હોય, તો તેનાથી વાળને ફાયદાની જગ્યાએ નુકસાન પણ થઈ શકે છે.

તાજેતરમાં જ જાણીતા આયુર્વેદિક ડૉક્ટર સલીમ જૈદીએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે વાળમાં ડુંગળીનો રસ લગાવવાના ફાયદા, નુકસાન અને તેને લગાવવાની યોગ્ય રીત વિશે વિગતવાર વર્ણન કર્યું છે.

આ અંગે ડૉ. જૈદીએ જણાવ્યું કે, ડુંગળીમાં પુષ્કળ પ્રમાણમાં સલ્ફર હોય છે. જે કેરાટિન અર્થાત વાળના પ્રોટીનને મજબૂત કરે છે. જેમાં રહેલ ક્યેરસેટિન સ્કેલ્પના ઈન્ફ્લેમેશનને ઘટાડે છે.

આ સાથે જ ડુંગળીમાં એન્ટી માઈક્રોબિયલ ગુણ પણ હોય છે. જે ડેન્ડ્રફ અને ફંગલ ઈન્ફેક્શનથી બચાવે છે. આ તમામ કારણોસર ડુંગળીનો રસ વાળનો ગ્રોથ વધારવામાં મદદ કરી શકે છે.

ડુંગળીનો રસ લગાવતી વખતે આ ભૂલ ના કરતા

મોટાભાગના લોકો ડુંગળીને પીસીને અથવા તેનો કાચો રસ નીકાળીને સીધો માથામાં લગાવી દેતા હોય છે. જે તેમની સૌથી મોટી ભૂલ છે. કાચી ડુંગળીનો રસ સ્કેલ્પમાં બળતરા અને ખંજવાળની સમસ્યા વધારી શકે છે. જેના પરિણામે વાળને ફાયદાની જગ્યાએ નુકસાન પણ થઈ શકે છે.

ડુંગળીનો રસ લગાવવાની યોગ્ય રીત ફર્મેટેશન છે. આ માટે ડુંગળીના રસને 72 કલાક અર્થાત 3 દિવસ સુધી ફોર્મેટ થવા દો. જેનાથી તેનું pH બેલેન્સ થઈ જાય અને પોષક તત્વો વધુ અસરકાર થઈ જાય છે. જે બાદ તમારે આ રસને સ્કેલ્પ પર લગાવવો જોઈએ.

વધારે સારા પરિણામ માટે ડોક્ટર ડુંગળીના રસમાં રોજમેરી ઑઈલ મિક્સ કરવાની સલાહ આપે છે. આ માટે ફર્મેટ થયેલ ડુંગળીના રસમાં 4-5 ટીમા રોજમેરી ઑઈલ નાંખો.

અનેક રિસર્ચમાં સાબિત થયું છે કે, રોજમેરી ઑઈલ વાળને ખરતા અટકાવવાની દવાઓ જેટલું અસરકારક છે. આટલું જ નહીં, તેની કોઈ આડઅસર પણ નથી. રોજમેરી ઑઈલ મિશ્રિત ડુંગળીના રસને હળવા હાથે સ્કેલ્પ પર મસાજ કરો. જેને 30 મિનિટ સુધી લગાવીને રાખો. જે બાદ શેમ્પુથી ધોઈ લો. અઠવાડિયામાં બે વાર આ પ્રક્રિયા 4 થી 6 વખત કરો. જેના પરિણામે વાળ મજબૂત, ઘટાદાર અને સિલ્કી થઈ શકે છે.