Donald Trump on China Victory Day Parade: વિક્ટરી ડે પરેડમાં ચીને શાનદાર રીતે 40 હજાર સૈનિકો સાથે શક્તિ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉન સહિત 25થી વધુ દેશોના રાષ્ટ્રાધ્યક્ષે ભાગ લીધો હતો. હવે આ મામલે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે ત્રણેય નેતાઓ ઉપર સાથે મળીને અમેરિકા વિરુદ્ધ ષડયંત્ર રચવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.

અમેરિકાએ રશિયાને આપી ચેતવણી
ટ્રમ્પે ‘ધ સ્કોટ જેનિંગ્સ રેડિયો શો’ ને આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે તેઓ રશિયા-યુક્રેન યુદ્ધને લઈને પુતિનથી ખૂબ નિરાશ છે. તેમની સરકાર રશિયામાં થઈ રહેલા મૃત્યુને રોકવા માટે ટૂંક સમયમાં પગલાં લેશે. ટ્રમ્પે રશિયાને ચેતવણી પણ આપી છે કે જો તે શાંતિ પ્રક્રિયામાં સહયોગ નહીં કરે તો અમેરિકા વધુ કડક પ્રતિબંધો લગાવવાથી પાછળ નહીં હટે. તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીને વચન આપ્યું છે કે કોઈ પણ શાંતિ કરારમાં અમેરિકા યુક્રેનની સુરક્ષાની ગેરંટી આપશે.

અમેરિકા વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે - ડોનાલ્ડ ટ્રમ્પ
ટ્રમ્પે પોતાની ટ્રુથ સોશિયલ પોસ્ટમાં લખ્યું કે રાષ્ટ્રપતિ શી અને ચીનની જનતાને મારી શુભેચ્છાઓ. કૃપા કરીને મારી હાર્દિક શુભેચ્છાઓ પુતિન અને કિમ જોંગ ઉનને પણ આપો, કારણ કે તમે બધા ભેગા મળીને અમેરિકા વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા છો. રશિયા અને ચીનની વધતી મિત્રતા અંગેની ચિંતા વિશે પૂછવામાં આવતા ટ્રમ્પે કહ્યું કે તેમને બિલકુલ ચિંતા નથી, કારણ કે અમેરિકા પાસે વિશ્વની સૌથી શક્તિશાળી સેના છે અને તેઓ અમારી પર ક્યારેય હુમલો નહિ કરે.
ચીનનો વિક્ટરી પરેડ દ્વારા અમેરિકાને સંદેશ
ટ્રમ્પનો આ આક્ષેપ ત્યારે આવ્યો જ્યારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે મંગળવારે પુતિનનું ‘જૂના મિત્ર’ કહીને બીજિંગમાં સ્વાગત કર્યું. બુધવારે સવારે પુતિન અને કિમ જોંગ પણ ચીનની વિક્ટરી ડે પરેડમાં સામેલ થયા હતા, જેને વૈશ્વિક શક્તિ પ્રદર્શનના પ્રયાસ તરીકે જોવામાં આવે છે.