India China Trade Relation: શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની મુલાકાત બાદ ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં તણાવ ઓછો થયો છે. આ મુલાકાતને પગલે બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણનો માહોલ સકારાત્મક બન્યો છે, ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ અને ઓટોમોબાઇલ ક્ષેત્રોમાં સંયુક્ત સાહસો (જૉઇન્ટ વેન્ચર્સ) અને રોકાણમાં વધારો જોવા મળી રહ્યો છે. અમેરિકાએ ભારત પર ભારે ટેરિફ લગાવ્યા બાદ ભારત-ચીન વચ્ચેની આ નિકટતા દેશના વેપાર માટે એક સારો સંકેત માનવામાં આવે છે.
ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરના કરારોને મંજૂરી
ઇકોનોમિક્સ ટાઇમ્સના અહેવાલ મુજબ ચીનની જાણીતી હોમ એપ્લાયન્સીસ કંપની Haier તેની ભારતીય સબસિડિયરીમાં 49 ટકા હિસ્સો વેચવાની તૈયારીમાં છે અને આ સોદામાં તાજેતરમાં તેજી આવી છે. ભારતીય ઉદ્યોગપતિ સુનીલ મિત્તલ સાથે પણ આ અંગે લાંબા સમયથી વાતચીત ચાલી રહી હતી.
ભારતની સૌથી મોટી ઇલેક્ટ્રોનિક કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કંપની Dixon Technologies પણ ચીનની Chongqing Yuhai સાથે જોઇન્ટ વેન્ચર માટે અરજી કરવા જઈ રહી છે, જેના દ્વારા લેપટોપ જેવા ઉપકરણોના હાઈ-ટેક કમ્પોનન્ટ્સ ભારતમાં જ બનશે. Dixon ને HKC અને Vivo સાથેના અન્ય બે જોઇન્ટ વેન્ચર્સને પણ ટૂંક સમયમાં સરકારની મંજૂરી મળવાની આશા છે.
ઓટો સેક્ટરમાં પણ રાહત
ઇલેક્ટ્રિક વાહનોમાં વપરાતા હેવી રેર અર્થ મેગ્નેટના ચીનથી થતા આયાત પરના પ્રતિબંધોમાં રાહત મળવાની સંભાવના છે, જે Bajaj Auto જેવી બે પૈડા વાહન ઉત્પાદક કંપનીઓને ફાયદો કરાવશે. ભારતીય ઓટો કંપની Ashok Leyland અને તેની પેરન્ટ કંપની Hinduja Group એ પણ ચીનની CALB Group સાથે નેક્સ્ટ જનરેશન બેટરી ટેક્નોલોજી પર કામ કરવા માટે એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
Dixon Technologies, Micromax ની સબસિડિયરી Bhagwati Products અને PG Electroplast જેવી અનેક મોટી ભારતીય કંપનીઓના ટોચના અધિકારીઓ ચીનની મુલાકાત લઈ રહ્યા છે, જેથી સંભવિત કરારોને ફાઈનલ સ્વરૂપ આપી શકાય. Bhagwati Products ના નિર્દેશક રાજેશ અગ્રવાલે જણાવ્યું કે નેતાઓની આ મુલાકાત બાદ હવે વસ્તુઓ ઝડપથી આગળ વધી રહી છે.