China Victory Day Parade: વિક્ટરી ડે પર ચીનનું 40 હજાર સૈનિકો સાથે શક્તિ પ્રદર્શન, શી જિનપિંગ, પુતિન અને કિમ જોંગ ઉનનો અમેરિકાને મોટો સંદેશ

બેઈજિંગમાં 'વિક્ટરી ડે પરેડ'નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉન સહિત 25થી વધુ દેશોના રાષ્ટ્રાધ્યક્ષે ભાગ લીધો.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Wed 03 Sep 2025 09:56 AM (IST)Updated: Wed 03 Sep 2025 12:05 PM (IST)
china-victory-day-parade-2025-xi-jinping-vladimir-putin-kim-jong-un-attend-message-to-us-donald-trump-596436

China Victory Day Parade 2025: બુધવારે ચીન દ્વારા ભવ્ય શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. બેઈજિંગમાં 'વિક્ટરી ડે પરેડ'નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉન સહિત 25થી વધુ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો ભાગ લઈ રહ્યા છે. આ પરેડ દ્વારા ચીન અમેરિકાને એક મોટો સંદેશ આપવા માંગે છે. બેઈજિંગમાં યોજાઈ રહેલી આ 70 મિનિટની પરેડમાં 40,000 ચીની સૈનિકો શામેલ થયા છે. ચીને આ પરેડમાં તેની અદ્યતન સૈન્ય શક્તિનું પ્રદર્શન કર્યું છે.

પરેડનો ઉદ્દેશ્ય

આ સૈન્ય પરેડ બીજા વિશ્વ યુદ્ધની સમાપ્તિના 80 વર્ષ પૂરા થવાના અવસરે યોજાઈ રહી છે. ચીન જાપાન પરની જીતની 80મી વર્ષગાંઠ નિમિત્તે આ પરેડનું આયોજન કરે છે. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ચીન અને જાપાન વચ્ચે 14 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું હતું. 2 સપ્ટેમ્બર 1945ના રોજ જાપાને શરણાગતિ સ્વીકારી હતી, ત્યારબાદ ચીને 'વિજય દિવસ'ની ઘોષણા કરી હતી અને તેને રાષ્ટ્રીય ગર્વ તરીકે રજૂ કરે છે.

અમેરિકાને મોટો સંદેશ

ચીન તેના આ શક્તિ પ્રદર્શન દ્વારા અમેરિકાને તેની સૈન્ય શક્તિ અને તેને મળી રહેલા વિવિધ દેશોના સમર્થનનો સંદેશ આપવા માંગે છે. આ પરેડમાં અમેરિકા વિરોધી ગણાતા રશિયા, ઉત્તર કોરિયા અને ઈરાનનો ચીનને સાથ મળી રહ્યો છે. ચીન આ પરેડ દ્વારા 'ગ્લોબલ સાઉથ'ના નેતા બનવાનો પણ પ્રયાસ કરી રહ્યું છે. અમેરિકા સાથે ટેરિફને લઈને ચાલી રહેલા તણાવ વચ્ચે આ સૈન્ય પરેડને એક વ્યૂહાત્મક દાવ માનવામાં આવે છે.

કયા દેશો વિક્ટરી પરેડમાં સામેલ થયા

રશિયા, ઉત્તર કોરિયા, બેલારુસ, ઈરાન, પાકિસ્તાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન, અઝરબૈજાન, આર્મેનિયા, નેપાળ, મ્યાનમાર, માલદીવ, મલેશિયા, કંબોડિયા, વિયેતનામ, ક્યુબા, મંગોલિયા

કિમ જોંગ ઉનની ચીન-રશિયા સાથે વધતી નિકટતા

ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન 6 વર્ષ પછી ચીનની યાત્રા પર આવ્યા છે, જે 2019 પછીની તેમની પ્રથમ ચીન યાત્રા છે. તેઓ પહેલીવાર કોઈ બહુપક્ષીય રાજદ્વારી કાર્યક્રમમાં શામેલ થઈ રહ્યા છે. કિમના આ પ્રવાસને અમેરિકા માટે એક મોટો સંદેશ માનવામાં આવે છે. આ મુલાકાત ચીન-રશિયા સાથે કિમની વધતી નિકટતાનો સંકેત આપે છે. આ સાથે ચીન-રશિયા-ઉત્તર કોરિયાનું સંભવિત સૈન્ય ગઠબંધન શક્ય બની શકે છે.