American Airlines:સાન ડિયાગોથી શિકાગો જઈ રહેલા આ વિમાનનું ફીનિક્સ સ્કાય હાર્બર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કટોકટી ઉતરાણ કરાવવામાં આવ્યું છે.વિમાનમાં એક વ્યક્તિ દ્વારા હાઈજેક કરવાનો પ્રયત્ન કરતા વિમાનને ઓચિંતા જ ઉતરાણ કરવાની ફરજ પડી હતી.
ઘટના કેવી રીતે બની?
અહેવાલો પ્રમાણે વિમાનમાં બેઠેલો એક શખ્સ ઓચિંતા જ પોતાની જગ્યાએથી ઊભો થઈ આગળના ભાગ તરફ જવા લાગ્યો હતો. ક્રૂ સભ્યોએ તેને વારંવાર સીટ પર બેસી જવા કહ્યું હતું પણ તે કોઈ રીતે માન્યો ન હતો અને વિમાનના ઈમરજન્સી ગેટ સાથે ચેડાં કરવા લાગ્યો હતો.ફીનિક્સ પોલીસના જણાવ્યા પ્રમાણે સ્થાનિક સમય પ્રમાણે રાત્રીના સમયે આશરે એક વાગ્યે વિમાનને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યું હતું. વિમાન જમીન પર ન ઊતર્યું ત્યાં સુધી ક્રૂ મેમ્બર્સ અને અન્ય મુસાફરોએ ભેગા મળીને આ વ્યક્તિને પકડી લીધો હતો.
મુસાફરે સોશિયલ મીડિયા ઘટના અંગે જાણ કરી
વિમાનમાં પ્રવાસ કરી રહેલા શૉન બેનેટ નામના મુસાફરે સોશિયલ મીડિયા પર પોતાનો ભયાવહ અનુભવ શેર કર્યો હતો. તેમણે જણાવ્યું કે એક અજાણ્યા શખ્સે વિમાન કબજે કરવાની કોશિશ કરી હતી. પણ કેટલાક હિંમતવાન મુસાફરો અને સ્ટાફે આગળ આવીને તેને અટકાવ્યો હતો.બેનેટે ઉતારેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે ફ્લાઈટ અટેન્ડન્ટ્સ અને અન્ય મુસાફરો પેલા શખ્સ સાથે સંઘર્ષ કરી રહ્યા હતા.
સોશિયલ મીડિયા પર શું લખ્યું
બેનેટે પોતાની પોસ્ટમાં લખ્યું કે સાન ડિયાગોથી શિકાગોની મારી પહેલી જ સફર દરમિયાન AA1494 ફ્લાઈટમાં કોઈએ વિમાન હાઈજેક કરવાનો પ્રયાસ કર્યો.અમારે ફીનિક્સમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું અને કેટલાક બહાદુર લોકોએ તેને રોકી લીધો હતો, જેના કારણે અમે બધા સુરક્ષિત છીએ. હાલ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન સમગ્ર મામલાની તપાસ કરી રહ્યું છે.
