United Airlines Incident:અમેરિકામાં સોમવારની રાત્રે એક વિમાની ઘટના અને અપહરણનો પ્રયત્ન ટાળવામાં આવ્યો છે. ન્યૂ જર્સીના નેવાર્ક લિબર્ટી ઈન્ટરનેશનલ એરપોર્ટથી ન્યૂ ઓરલિયન્સ જઈ રહેલા યુનાઈટેડ એરલાઈન્સની ફ્લાઈટમાં તે સમયે ભારે અફરા-તફરી સર્જાઈ કે જ્યારે એક માનસિક રીતે અસ્વસ્થ યાત્રીએ તની બેગમાં બોમ્બ હોવાનો દાવો કર્યો અને બળજબરીપૂર્વક કોકપિટમાં ઘૂસવાનો પ્રયત્ન કર્યો હતો.
આ ઘટના જોતા પાયલોટે હાઈજેકિંગનું એલર્ટ આપ્યું હતું. અહેવાલ પ્રમાણે ન્યૂ ઓરલિયન્સ જઈ રહેલું આ વિમાન રાત્રીના આશરે 9:30 વાગે નેવાર્ક ઈન્ટરનેશનલ એરપોર્ટથી રવાના થયું હતું, થોડા સમય બાદ પાયલોટે રેડિયો મારફતે કોકપિટમાં ઘૂસવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાની માહિતી આપી હતી.
વિમાનમાં કૂલ 46 યાત્રી અને ચાલક ટીમના 6 સભ્ય સવાર હતા. ઉડ્ડાન ભરતી વખતે બ્લેક કલરના કપડામાં 34 વર્ષના આરોપી યાત્રી કે જેની ઓળખ રોની ગોમેજ અલ્બર્ટો તરીકે કરવામાં આવી હતી તેણે વિચિત્ર વ્યવહાર કરવાનું શરૂ કરી દીધુ અને કોકપિટનો દરવાજો તોડવાનો પ્રયત્ન કર્યો.
સ્થિતિની ગંભીરતાને જોતા પાયલોટ દ્વારા તાત્કાલિક કોટપિટને અંદરથી લોક કરી દેવામાં આવી હતી અને એર ટ્રાફિક કન્ટ્રોલને થ્રેટ એલર્ટ મોકલ્યું હતું. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. તપાસમાં કોઈ જ વિસ્ફોટક મળી આવ્યા નથી. ત્યારબાદ આરોપી પર ખોટી આતંકવાદી ધમકી આપવા તથા દહેશત ફેલાવવાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
