Gir Somnath: વેરાવળના જલેશ્વર વિસ્તારમાંથી માછીમારી માટે ગયેલી એક માછીમારી બોટ અરબી સમુદ્રમાં એક મોટા જહાજ સાથે અથડાઈ હતી. આજે સવારે 8 વાગ્યાની આસપાસ માધુપુર નજીક દરિયામાં બનેલી આ ઘટનામાં IND-GJ-32-MD-6578 નંબરની માછીમારી બોટ સંપૂર્ણપણે નાશ પામી હતી.
બોટમાં સવાર બાબા કબીર ધોખી, સાહિલ સુલેમાન ધોખી અને મોહસીન બાપુ નામના ત્રણ માછીમારો દરિયામાં ડૂબવા લાગ્યા હતા. સદનસીબે, નજીકમાં આવેલી બીજી માછીમારી બોટના માછીમારોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરીને ત્રણ માછીમારોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.
બરગામ મુસ્લિમ ફિશરમેન સોસાયટીના પ્રમુખ યુસુફ સુલેમાન ભેંસલિયાના જણાવ્યા અનુસાર, આ અકસ્માત વિશાળ જહાજની બેદરકારીને કારણે થયો હતો. બોટના માલિક કબીર અબ્દુલ્લા ધોખીને બોટ સંપૂર્ણપણે નાશ પામવાને કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું છે.