Vadodara Public fight: વડોદરા શહેરના સોમાતળાવ બ્રિજ પાસે તરસાલી તરફ જતા મુખ્ય માર્ગ પર જાહેરમાં ધીંગાણું મચાવનાર શખ્સોનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. વાઇરલ વીડિયો સામે આવ્યા બાદ મકારપુરા પોલીસ સ્ટેશન હરકતમાં આવી હતી.
જાહેરમાં મારામારી થયાનો વીડિયો વાયરલ
પોલીસમાં નોંધાયેલ ફરિયાદ મુજબ, વીડિયોમાં કેટલાક વ્યક્તિઓ જાહેર રસ્તા પર એકબીજા સાથે ઉગ્ર બોલાચાલી કરતા, બુમરાણ કરતા અને હાથ તેમજ લાકડીઓ વડે એકબીજા પર હુમલો કરતા જોવા મળે છે. જાહેર માર્ગ પર જાણે યુદ્ધનું મેદાન સર્જાયું હોય તેવો માહોલ સર્જાતા વાહનચાલકો અને સ્થાનિકોમાં ભય ફેલાયો હતો.
બે પરિવારો વચ્ચેનો ઝઘડો ઉગ્ર બન્યો
આ ઘટનાની ગંભીરતા જોતા બંને પક્ષના કુલ છ શખ્સો સામે જાહેરમાં દંડા-ધોકા ઉડાવી ભય ફેલાવવાના આરોપસર ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં એક પક્ષમાંથી લાલા ભોપાભાઈ ભરવાડનો સમાવેશ થાય છે. જ્યારે બીજા પક્ષમાં કવા વાહાભાઈ ભરવાડ, ભાથુ વાહાભાઈ ભરવાડ, દેહુર વાહાભાઈ ભરવાડ, રાકેશ કાળુભાઈ ભરવાડ અને ભરત કાળુભાઈ ભરવાડનો સમાવેશ થાય છે.
બંને પક્ષના છ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ
જાહેર સ્થળે અનધિકૃત રીતે મંડળી રચી લાકડીઓ જેવા હથિયારો વડે ઝઘડો કરી જાહેર શાંતિ ભંગ કરવાના આરોપસર પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી વધુ તપાસ અને કાર્યવાહી શરૂ કરી છે. તમામ આરોપીઓ વડોદરાના દંતેશ્વર વિસ્તારની સંતોષવાડીમાં આવેલા ભરવાડ વાસમાં રહે છે.
એક વ્યક્તિને ગંભીર ઈજા પણ પહોંચી
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ સમગ્ર ઘટના ભરવાડ સમાજના અંદરોઅંદર વિવાદને લઈને બની હતી. સંબંધીઓ વચ્ચે ચાલતા ખાનગી ઝઘડાએ જાહેર માર્ગ પર ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ઘટનામાં લાલા ભરવાડને માથામાં ચીરા, છાતીના ભાગે ઈજા તેમજ ડાબા હાથ પર મારના નિશાન જોવા મળ્યા હતા. તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
