ભરવાડ સમાજની ક્રાંતિકારી પહેલ: દેખાદેખી અને કુરિવાજો ત્યાગવા લીધો મોટો નિર્ણય; સોનું અને મામેરાના ખર્ચ પર અંકુશ

સમાજના અગ્રણીઓએ જણાવ્યું કે, નિયમો માત્ર કાગળ પર ન રહે તે માટે આગામી થોડા મહિનાઓમાં ભરવાડ સમાજનું એક વિશાળ સંમેલન યોજાશે.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Sat 20 Dec 2025 09:33 AM (IST)Updated: Sat 20 Dec 2025 09:33 AM (IST)
constitution-of-the-shepherd-bharwadcommunity-658687

Bharwad Society Rules: રબારી, ઠાકોર અને મોદી સમાજ બાદ હવે ભરવાડ સમાજે પણ સામાજિક સુધારા તરફ મક્કમ ડગ માંડ્યા છે. સમાજમાં ઘર કરી ગયેલા મોંઘાદાટ કુરિવાજો અને આર્થિક બોજ વધારતી પ્રથાઓને નાબૂદ કરવા માટે સમાજના અગ્રણીઓની એક મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં લગ્ન અને અન્ય પ્રસંગોમાં થતા ખોટા ખર્ચ પર લગામ લગાવવા માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે.

સોનાના દાગીના અને મામેરામાં મોટા ફેરફાર

ભરવાડ સમાજના પ્રમુખ વિજય ભરવાડના જણાવ્યા અનુસાર, દેખાદેખીના કારણે ગરીબ પરિવારો દેવામાં ડૂબી રહ્યા છે, જે અટકાવવા માટે નીચે મુજબના નિયમો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યા છે:

  • સોનાની મર્યાદા: સામાજિક પ્રસંગોમાં જાહેરમાં 4 તોલાથી વધુ સોનું આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો પિતાને વધુ આપવું હોય તો તેઓ દીકરીના ઘરે ખાનગીમાં આપી શકે છે.
  • રોકડને પ્રાધાન્ય: મામેરામાં કપડાં કે ચીજવસ્તુઓનો બગાડ અટકાવવા અને સોનું વેચતી વખતે થતા આર્થિક નુકસાનથી બચવા દીકરીને રોકડ રકમ આપવાની અપીલ કરવામાં આવી છે.
  • હરખના પ્રસંગો બંધ: સગાઈ બાદ થતા વ્રત મોળાકાત કે હારડા લઈ જવા જેવા બિનજરૂરી 'હરખના પ્રસંગો' પર ચુસ્તપણે પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

શિક્ષણ અને આર્થિક શિસ્ત પર ભાર

બેઠકમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે શિક્ષણ માત્ર ડિગ્રી માટે નહીં પણ સામાજિક અંધકાર દૂર કરવા માટે હોવું જોઈએ. વિજય ભરવાડના જણાવ્યા મુજબ, શિક્ષિત યુવા પેઢીએ 'દેખાદેખી'ના રિવાજ તોડીને 'આદર્શ લગ્ન' તરફ વળવું જોઈએ. સમાજના દરેક વ્યક્તિએ પોતાની આર્થિક ક્ષમતા મુજબ જ પ્રસંગ કરવો અને પ્રસંગ માટે ક્યારેય દેવું ન કરવા સૂચના આપવામાં આવી છે.

કપડાંની પ્રથા અને સામૂહિક લગ્નો

શ્રીમંત (સીમંત), લગ્ન કે અશુભ (મરણ) પ્રસંગે કપડાં આપવાની જૂની પ્રથા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. સાથોસાથ, ખર્ચ ઘટાડવા માટે વધુમાં વધુ સામૂહિક લગ્નો કરવા માટે સમાજને પ્રોત્સાહિત કરવામાં આવશે.

ભવિષ્યનું આયોજન

સમાજના અગ્રણીઓએ જણાવ્યું કે, નિયમો માત્ર કાગળ પર ન રહે તે માટે આગામી થોડા મહિનાઓમાં ભરવાડ સમાજનું એક વિશાળ સંમેલન યોજાશે. જેમાં જનજાગૃતિ ફેલાવી આ નિયમોનો કડક અમલ કરાવવા અપીલ કરાશે. અગ્રણીઓનું માનવું છે કે જો દરેક પરિવાર પોતાની ફરજ સમજીને ઘરથી જ આ ફેરફારની શરૂઆત કરશે, તો સમાજ સંસ્કાર, સંસ્કૃતિ અને શિક્ષણથી નવી ઓળખ ઉભી કરી શકશે.