Vadodara: વાઘોડિયા તાલુકામાં નવીનગરી વિસ્તાર પાછળ આવેલા તળાવમાંથી ચાર દિવસથી ગુમ થયેલ એક યુવકનો ડીકમ્પોઝ થયેલ હાલતમાં મૃતદેહ મળતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.
તળાવ કિનારેથી તીવ્ર દુર્ગંધ આવતી હોવાથી તપાસ કરતાં સ્થાનિકોને લાશ દેખાઈ હતી. જે બાદ વાઘોડિયા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળક બારીયા દિનેશ નટવરભાઈ (35) તરીકે થઈ છે. જે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના દતોલ ગામમાં રહેતો હોવાનું માલૂમ પડ્યું છે.
પરિવારજનોની પૂછપરછમાં દિનેશ બારીયા પોતાના સાળા સાથે રોજગાર અર્થે વાઘોડિયામાં આવ્યો હતો. જ્યાં તે કડિયા કામ કરતો હતો, પરંતુ 4 દિવસથી ગુમ થઈ ગયો હતો.
વાઘોડિયા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. જો કે લાશ ડીકમ્પોઝ હોવાથી દિનેશના મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ દિનેશની હત્યા થઈ છે કે તેણે આત્મહત્યા કરી છે, તે સ્પષ્ટ થઈ શકશે. હાલ તો પોલીસે મૃતક દિનેશ છેલ્લા દિવસોમાં કોના સંપર્કમાં હતો અને ક્યાં ગયો હતો, તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
