Vadodara: પાલિતાણા એક્સપ્રેસ ટ્રેનના AC કોચમાં નિંદ્રાધીન મહિલાના પર્સની ચોરી થઈ હોવાની રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં તસ્કરો મહિલાના પર્સમાંથી 10.20 લાખની મત્તા લઈને પર્સને શૌચાલયમાં ફેંકીને ફરાર થઈ ગયા હતા.
આ અંગે વેસ્ટ મુંબઈમાં ઘાટકોપર વિસ્તારમાં આવેલ પરમાનંદ પવનમાં રહેતા રીટાબેન દેવેન્દ્રભાઈ મહેતાએ રેલવે પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, ગત 21 જાન્યુઆરીના રોજ સાંજે મારા પતિ અને દીકરીઓની સાથે હું મુંબઈથી ટ્રેનમાં બેસી પાલિતાણા ખાતે જાત્રાએ ગઈ હતી. જ્યાંથી જાત્રા પૂર્ણ થતાં સોનગઢ ભાવનગરથી ટ્રેનના એસી કોચમાં બેસી અમો પરત મુંબઈ જતા હતા.
આ પણ વાંચો
આ દરમિયાન રાત્રે 11:00 વાગે હું મારું કાળા કલરનું પર્સ સીટ ઉપર માથાની બાજુમાં મૂકી ઊંઘી ગઈ હતી. તા. 24ના રાત્રે બે વાગે ટ્રેનના TTEએ મારી સીટ પાસે આવીને જણાવેલ કે તમારૂ પર્સ ચોરી થયું છે અને શૌચાલયમાં પડયું છે. તે પર્સમાં તમારું આધાર કાર્ડ છે એ પર્સ તમારું હોવાનું જણાઈ આવ્યું છે
રીટાબેન શૌચાલયમાં જઈને જોતા તે પર્સ તેમનું જ હતું અને તેમાં મૂકેલ દસ્તાવેજો પણ શૌચાલયમાં વેર વિખેર હાલતમાં પડ્યા હતા. જયારે પર્સમાં રહેલ રોકડા રૂપિયા 70 હજાર તેમજ આઠ લાખની કિંમતનો હીરાના પેન્ડલ સાથેનો સોનાનો હાર અને ગોલ્ડન કલરનો દોઢ લાખ કિંમતનો આઈફોન મળી કુલ 10.20 લાખની કિંમતી વસ્તુઓ ગાયબ હતી. હાલ તો રેલવે પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.