Vadodara Fake SBI Loan Agent Fraud: ગુજરાતના વેપારીઓ અને નાગરિકોને લોભામણી લાલચો આપી નાણાં પડાવી લેવાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે આવી જ એક ચોંકાવનારી ઘટનામાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના બોગસ લોન એજન્ટ બનીને કન્સ્ટ્રક્શન ક્ષેત્રના વેપારી સાથે રૂ. 1.55 કરોડથી વધુની મકાન-મિલકત વિષયક છેતરપિંડી આચરવામાં આવી હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, આરોપી કૌશિકભાઈ પટેલે કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા નિલેશ ગોવિંદભાઈ પટેલનો સંપર્ક કર્યો હતો. પોતે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં લોન એજન્ટ તરીકે કામ કરતો હોવાની ખોટી ઓળખ આપીને આરોપીએ ફરિયાદીનો વિશ્વાસ સંપાદિત કર્યો હતો. જે બાદ બેંક દ્વારા એનપીએ (NPA) જાહેર કરાયેલી તથા જપ્ત (સીઝ) કરાયેલી વિવિધ મિલકતો બતાવીને, તેને કોઈ પણ પ્રકારની જાહેર હરાજી વગર સીધી જ સસ્તા ભાવે અપાવી દેવાની ખાતરી આપી હતી.
આ યોજનામાં ફરિયાદીને ફસાવીને આરોપીએ પોતાના અને તેના પરિચિતોના બેંક ખાતાઓમાં RTGS અને NEFT મારફતે તબક્કાવાર કુલ રૂ. 1,39,97,000 ટ્રાન્સફર કરાવી લીધા હતા. ફરિયાદીને કોઈ શંકા ન જાય તે માટે આરોપીએ એસબીઆઈ બેંકના બોગસ લેટરપેડ પર ખોટી સહીઓ કરી બનાવટી પોંચ, ડેબિટ-ક્રેડિટ વાઉચરો તેમજ હરાજીના બોગસ ઓક્શન લેટર્સ બનાવીને આપ્યા હતા.
આ ઉપરાંત, મિલકતોના વેચાણ દસ્તાવેજ કરવા અને સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવાના બહાને આરોપીએ રૂ. ૧૫,૧૨,૦૦૦ની રોકડ રકમ પણ મેળવી લીધી હતી. આમ, આરોપીએ કૂલ મળીને રૂ. 1,55,09,000ની માતબર રકમ ફરિયાદી પાસેથી પડાવી લીધી હતી.
રૂપિયા મેળવ્યા બાદ પણ નક્કી કર્યા મુજબ મિલકતોના દસ્તાવેજ કરી આપવામાં આવ્યા ન હતા. જ્યારે ફરિયાદીએ નાણાં પરત માંગ્યા, ત્યારે આરોપીએ બેંકમાંથી વધારે રકમ પરત મળશે તેવું કહી અન્ય વ્યક્તિઓના નામના ચેકો આપ્યા હતા. જોકે, આ તમામ ચેકો બેંકમાં જમા કરાવતા બાઉન્સ થયા હતા. પોતાની સાથે મોટું કૌભાંડ થયું હોવાનો અહેસાસ થતાં જ ફરિયાદીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
