Vadodara News: નવરાત્રીના પાવન અવસરે વડોદરા શહેરમાં ખેલૈયાઓ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે, ત્યારે ગરબા ગ્રાઉન્ડ પર ધમધમતા ખાણીપીણીના સ્ટોલ પર વેચાતી ખાદ્ય સામગ્રીની ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા છે.
ગ્રાહકોને અખાદ્ય અને વાસી ખોરાક પીરસાઈ રહ્યો હોવાની વ્યાપક ફરિયાદોને ધ્યાને લઈને વડોદરા મહાનગરપાલિકાની આરોગ્ય શાખા આક્રમક મૂડમાં આવી ગઈ છે. મનપાની ફૂડ સેફ્ટી ટીમ દ્વારા ગત મોડી રાત્રે શહેરના બે સૌથી લોકપ્રિય અને મોટા ગરબા ગ્રાઉન્ડ્સ એલ.વી.પી. (LVP) અને વી.એન.એફ. (VNF) પર ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી, જેના કારણે ફૂડ વેપારીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
આરોગ્ય વિભાગની વિશેષ ટીમો દ્વારા આ બંને ગરબા ગ્રાઉન્ડ્સ પર ધમધમી રહેલા કુલ 52 જેટલા ફૂડ સ્ટોલ્સની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. આ સઘન ચેકિંગ દરમિયાન એક સ્ટોલ પરથી અંદાજે 10 કિલોગ્રામ જેટલો બગડેલો, વાસી અને માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક એવો પાપડીનો લોટ મળી આવ્યો હતો. આરોગ્ય અધિકારીઓએ તાત્કાલિક ધોરણે આ બિનઉપયોગી લોટનો જથ્થો જપ્ત કરીને સ્થળ પર જ તેનો નાશ કર્યો હતો, જેથી કોઈપણ ખેલૈયાના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય.
તપાસ દરમિયાન મનપાની ટીમ દ્વારા તમામ ફૂડ સ્ટોલ સંચાલકોને કડક ભાષામાં તાકીદ કરવામાં આવી હતી કે, તેઓ ગ્રાહકોને ઉત્તમ ગુણવત્તાવાળો જ ખોરાક પૂરો પાડે. આ ઉપરાંત સ્ટોલની આસપાસ સ્વચ્છતાનું ખાસ ધોરણ જાળવવું, વાસી ચીજવસ્તુઓનો નિકાલ સમયસર કરવો અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટીના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું અનિવાર્ય છે. જો ભવિષ્યમાં ચેકિંગ દરમિયાન કોઈપણ સ્ટોલ પરથી અખાદ્ય કે પ્રદૂષિત વસ્તુઓ મળી આવશે, તો વહીવટી તંત્ર દ્વારા કાયદાકીય કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, નવરાત્રી મહોત્સવ દરમિયાન આ ગરબા ગ્રાઉન્ડ્સ પર રોજબરોજ હજારોની સંખ્યામાં ખેલૈયાઓ અને નાગરિકો પરિવાર સાથે ઉમટે છે અને મોડી રાત સુધી ખાણીપીણીનો આનંદ માણે છે. તહેવારોના માહોલમાં લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ન થાય તે માટે વડોદરા મનપાના આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા આ કડક પગલાંને કારણે બેજવાબદાર ફૂડ સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે. તંત્રની આ સક્રિયતા આગામી દિવસોમાં પણ શહેરના અન્ય ગરબા આયોજનોમાં જારી રહેશે તેવી શક્યતા છે.
