Ahmedabad News: અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં નવરાત્રીનો માહોલ બરોબર જામ્યો છે, ત્યારે શહેરના જગતપુર-ગોતા રોડ પર આયોજિત 'ફળિયું' નામે ગરબા મહોત્સવ સામે કોર્પોરેશને મોટી કાર્યવાહી કરી છે. જેમાં પૈસા ભર્યા વિના આયોજકોએ કોર્પોરેશનના પ્લોટમાં 4 દિવસ સુધી ગરબા ચલાવ્યા હોવાનું ધ્યાને આવતા, આખરે ગરબા સ્થળને સીલ કરી દેવામાં આવ્યું છે.
આ અંગે વિગતો આપતાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું કે, અમદાવાદ કોર્પોરેશન દ્વારા ગરબાના આયોજન માટે ગોતા વોર્ડમાં 'ફળિયું' નામે ગરબા આયોજકોને પ્લોટ ભાડે આપવામાં આવ્યો હતો. જેના માટે ગરબાના આયોજકોને 21 લાખ રૂપિયા ભાડુ અને 19 લાખ ડિપોઝિટ સાથે 40 લાખ રૂપિયા કોર્પોરેશનમાં જમા કરાવવાની હતી. જો કે આયોજકો દ્વારા નવરાત્રીના ચાર દિવસ વીતવા છતાં રકમ ભરવામાં નથી આવી.
આ પણ વાંચો
સ્ટેન્ડિંગ કમિટીની બેઠક દરમિયાન એસ્ટેટ વિભાગના અધિકારીઓ સાથે પૂછપરછ કરવામાં આવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. આખરે એસ્ટેટ વિભાગે તાત્કાલિક 'ફળિયું' ગરબા પ્લોટને સીલ કરી દીધો હતો. આ સાથે જ હવે ગરબા આયોજકો પાસેથી કડક વસૂલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
