અમદાવાદ: ડ્રગ્સ કેસના આરોપીનો પોલીસ પર હુમલો, PSIની રિવોલ્વર ઝૂંટવવાનો પ્રયાસ; જવાબમાં PI ભટ્ટે પગમાં ગોળી મારી

આ બનાવમાં એક પોલીસ કોન્સ્ટેબલ અને આરોપી ઈજાગ્રસ્ત થતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 29 Nov 2026 11:16 PM (IST)Updated: Sun, 29 Nov 2026 11:16 PM (IST)
ahmedabad-drug-case-accused-firoz-shaikh-attack-police-team-snatch-psi-revolver-pi-fires-at-accused-leg

Ahmedabad News: અમદાવાદમાં હાફ એન્કાઉન્ટરનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ડ્રગ કેસમાં ઝડપાયેલા આરોપીએ પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરી PSIની રિવોલ્વર ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન PI એ.બી. ભટ્ટે આરોપીના પગમાં ફાયરિંગ કરતાં તેને ઈજા પહોંચી હતી. બનાવમાં એક પોલીસ કોન્સ્ટેબલ ઈજાગ્રસ્ત થયા છે. બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ધરપકડ બાદ આરોપીનો પોલીસ પર હુમલો

મળતી માહિતી મુજબ, ફિરોઝ અહેમદ ઉર્ફે ફિરોઝ જોરની પટવા શેરી ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ આરોપીને SOG ઓફિસ લઈ જવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન આરોપીએ પોલીસ કોન્સ્ટેબલ અને જીપના ડ્રાઈવર પર હુમલો કર્યો હતો. આ ઉપરાંત આરોપીએ પોલીસ જીપમાંથી ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો.

PI એ.બી. ભટ્ટે આરોપીના પગમાં કર્યું ફાયરિંગ

પોલીસ ટીમ પર હુમલો કર્યા બાદ આરોપીએ PSIની રિવોલ્વર ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીના હુમલા અને રિવોલ્વર ઝૂંટવવાના પ્રયાસ દરમિયાન PI એ.બી. ભટ્ટે ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં આરોપીના પગમાં ગોળી વાગતા તેને ઈજા પહોંચી હતી. આરોપીને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ઉચ્ચ પોલીસ અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા

બીજી તરફ, આ બનાવમાં પોલીસ કોન્સ્ટેબલ અજીતભાઈને ઈજા પહોંચી છે. તેમને માથાના ભાગે ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. તેમને પણ સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા ક્રાઈમ બ્રાન્ચના DCP, JCP સહિતના અન્ય પોલીસ અધિકારીઓ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.

આરોપી ફિરોજ શેખનો ગુનાહિત ઈતિહાસ

આરોપી ફિરોજ ઉર્ફે ચોર હનીફભાઈ શેખ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તેની સામે અમદાવાદ શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કુલ 8 જેટલા ગુના તેમજ ATS સંબંધિત કાર્યવાહી થયેલી છે. કારંજ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2015, 2016, 2017 અને 2018 માં આરોપી સામે મારમારી, લૂંટ, ધમકી, મિલકતને નુકસાન પહોંચાડવા અને હથિયારબંધી ભંગ સહિતના ચાર ગંભીર ગુનાઓ દાખલ થઈ ચૂક્યા છે.

આ ઉપરાંત, વર્ષ 2016માં દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં તેમજ વર્ષ 2024માં શાહપુર પોલીસ સ્ટેશનમાં પણ આરોપી સામે મારામારી અને ધમકી આપવાના ગુના નોંધાયા છે. ફિરોજ શેખ નશાકારક પદાર્થોની હેરાફેરી જેવા ગંભીર ગુના માટે વર્ષ 2019 અને 2024માં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે NDPS એક્ટ હેઠળ બે ગુના નોંધાયેલા છે.