Vadodara: સયાજી હોસ્પિટલમાં યુવકનો આપઘાતનો પ્રયાસ, ચોથા માળેથી ભૂસકો મારતા નીચે એમ્બ્યુલન્સ ચાલક પર પડ્યો

વડોદરાની સયાજી હોસ્પિટલમાં માનસિક અસ્વસ્થ યુવકે ચોથા માળેથી પડતું મૂકીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જે નીચે ઉભા રહેલા એમ્બ્યુલન્સ ડ્રાઈવર પર પડ્યો હતો. જેમાં યુવકના પગ ભાગી ગયા હતા, જ્યારે એમ્બ્યુલન્સ ડ્રાઈવરના કમરના મણકા તૂટી ગયા હતા. જે બાદ બન્નેને સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 09 Oct 2026 05:57 PM (IST)Updated: Fri, 09 Oct 2026 05:57 PM (IST)
vadodara-news-man-jumps-off-4th-floor-of-ssg-hospital-lands-on-ambulance-driver
HIGHLIGHTS
  • 'મને બે-ત્રણ જણા દેખાય છે, હું ઘરમાં નહી આવું'- યુવકનું રટણ


Vadodara: વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં માનસિક અસ્વસ્થતા ધરાવતા યુવકે ચોથા માળેથી પડતું મૂકીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે ચોથા માળેથી કૂદકો મારતા જ યુવક નીચે એમ્યુલન્સ ચાલક પર પડ્યો હતો. જેના કારણે બન્ને ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટનાના પગલે સયાજી હોસ્પિટલ પરિસરમાં અફરાતફરી મચી જવા પામી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, વડોદરાના કિશનવાડી વિસ્તારના શાસ્ત્રીનગરમાં રહેતા હિતેશ રોહિતે (21) એક જ દિવસમાં બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો. માનસિક અસ્વસ્થ રોહિત સૌ પ્રથમ સવારે પોતાના ઘરે જ હાથમાં બ્લેડ મારીને નસ કાપી નાંખી હતી. જેથી પત્ની સહિતના પરિવારજનો રોહિતને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે સયાજી હોસ્પિટલ લઈને આવ્યા હતા.

સયાજી હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં હિતેશની સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન મેડિકલ સ્ટાફ તેમજ પરિવારજનોની નજર ચૂકવીને હિતેશ અચાનક ભાગ્યો હતો અને દાદરા ચડીને હોસ્પિટલ બિલ્ડિંગના ચોથા માળે પહોંચી ગયો હતો અને નીચે પડતું મૂકી દીધુ હતુ.

નિર્દોષ એમ્બ્યુલન્સ ચાલકના કમરના મણકા તૂટી ગયા

ચોથા માળેથી નીચે ફેંકાયેલો હિતેશ નીચે ઉભેલા એમ્બ્યુલન્સ ચાલક પ્રિતેશ પર પડ્યો હતો. આ ઘટનામાં હિતેશના પગમાં ફ્રેક્ચર સહિતની ગંભીર ઈજા પહોંચી હતી, જ્યારે એમ્બ્યુલન્સ ચાલક પ્રિતેશના મણકા તૂટી ગયા હતા. હાલમાં બન્ને ઈજાગ્રસ્તોની સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

બીજી તરફ આ ઘટનાની જાણ થતાં રાવપુરા પોલીસ મથકની ટીમ સયાજી હોસ્પિટલ પહોંચી ગયો હતો. જ્યાં યુવકે ક્યા કારણોસર એક જ દિવસમાં બે વાર જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો, તે જાણવા તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં હિતેશ પરિણીત છે અને તેને એક પુત્રી છે. હાલ હિતેશ કોઈ કામ-ધંધો નહતો કરતો. છેલ્લા બે દિવસથી તેની માનસિક સ્થિતિ સ્થિર નહતી અને સતત એવું રટણ કરતો હતો કે, મારે ઘરમાં નથી આવવું, મને બે-ત્રણ જણા દેખાય છે. ઘરમાં કોઈ પણ પ્રકારનો ઝઘડો કે કંકાશ થયો ના હોવા છતાં તેણે આવું પગલું ભર્યું હતુ. હાલ તો પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.