દિવાળી પહેલા સુરતને વધુ એક બ્રિજની ભેટઃ યોગી ચોક, પુણા અને મોટા વરાછા વચ્ચે અવરજવર વધુ સરળ અને સુગમ થશે

સુરતમાં કલાકુંજ મંદિરની ખાડી પર બની રહેલો બ્રિજ દિવાળી પહેલા પુરું કરવાનું લક્ષ્ય નિર્ધારિત કરવામાં આવ્યું છે. આ પુલ યોગી ચોક, પુણા અને મોટા વરાછા વચ્ચેની અવરજવર સરળ બનાવશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 09 Oct 2026 05:25 PM (IST)Updated: Fri, 09 Oct 2026 05:25 PM (IST)
surat-gift-before-diwali-new-bridge-to-ease-traffic-between-yogi-chowk-puna-and-mota-varachha

Surat: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ સુરત સહિત સમગ્ર ગુજરાતમાં માળખાગત સુવિધાઓના વિકાસ અને નાગરિકોની સુખાકારીને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. આ વિકાસયાત્રાના ભાગરૂપે સુરત શહેરના માર્ગ પરિવહનને વધુ સરળ, ઝડપી અને સુવિધાજનક બનાવવાના હેતુથી કલાકુંજ મંદિરની ખાડી પર નિર્માણાધિન નવા બ્રિજનું આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ સંબંધિત અધિકારીઓ સાથે સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું હતું.

દિવાળી પહેલાં આ બ્રિજનું કામ પૂર્ણ કરી તેને નાગરિકોના ઉપયોગ માટે ખુલ્લો મૂકવાના હેતુથી મંત્રીએ અધિકારીઓ સાથે કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી હતી. બ્રિજનું બાકી રહેલું કામ ઝડપથી પૂર્ણ થાય, વિવિધ વિભાગો વચ્ચે યોગ્ય સંકલન જળવાય અને નાગરિકોને વહેલી તકે આ સુવિધાનો લાભ મળે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

કલાકુંજ મંદિરની ખાડી પર નિર્માણાધીન આ બ્રિજ ડૉ. કનુભાઈ માવાણી બ્રિજ સાથે જોડાશે. આ જોડાણથી સમગ્ર કનેક્ટિવિટી પ્રોજેક્ટના ત્રીજા તબક્કાનું બાકી રહેલું કામ પૂર્ણ થવાની દિશામાં આગળ વધશે. બ્રિજ કાર્યરત થતા યોગીચોક અને પુણા વિસ્તારથી મોટા વરાછા તરફ અવરજવર કરતા નાગરિકોને વધુ સરળ અને અનુકૂળ માર્ગ ઉપલબ્ધ થશે.

આ સાથે જ લક્ષ્મણનગર અને મહાવીર ચોક રોડ પર વાહનવ્યવહારનું દબાણ ઘટાડવામાં મદદ મળશે. પરિણામે રોજિંદી અવરજવરમાં લાગતો સમય બચશે અને શહેરી પરિવહન વ્યવસ્થાને વધુ સુગમ બનાવવામાં યોગદાન મળશે.

આ બ્રિજ માત્ર બે વિસ્તારોને જોડતી માળખાગત સુવિધા જ નથી, પરંતુ નાગરિકોની રોજિંદી મુસાફરીને વધુ સરળ બનાવવા, ટ્રાફિકનું ભારણ ઘટાડવા અને સુરતના વિવિધ વિસ્તારો વચ્ચેનું અંતર વ્યવહારિક રીતે ઓછું કરવામાં મદદરૂપ બનનાર મહત્વપૂર્ણ જોડાણ છે. ખાસ કરીને વરાછા અને મોટા વરાછા વિસ્તાર વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનવાથી સ્થાનિક નાગરિકો તથા વાહનચાલકોને સુવિધા મળશે.

નાગરિકોને આધુનિક માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની પ્રતિબદ્ધતા સાથે આ પ્રોજેક્ટનું કામ સમયસર પૂર્ણ થાય અને તેનો લાભ વહેલી તકે લોકો સુધી પહોંચે તે માટે સ્થળ પર સમીક્ષા કરવામાં આવી હતી. આ નિરીક્ષણ દરમિયાન કામરેજ વિધાનસભા વિસ્તારના વોર્ડના કોર્પોરેટરો, પ્રમુખો, અગ્રણી કાર્યકર્તાઓ તેમજ બ્રિજ સેલના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.