Surat: નવી સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સની 146 જગ્યાઓ પર આઉટસોર્સિંગથી ભરતીને મંજૂરી

ગાંધીનગરમાં સ્વાસ્થ્ય મંત્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં 146 સ્ટાફ નર્સોની આઉટસોર્સિંગથી ભરતીને મંજૂરી મળી ગઈ છે. આ નિર્ણય હોસ્પિટલમાં નર્સિંગ કેર અને ક્રિટિકલ કેર સેવાને વધુ સુદ્રઢ બનાવશે, જેથી દર્દીઓને ગુણવત્તાસભર સ્વાસ્થ્ય સેવાઓ મળશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 09 Oct 2026 05:03 PM (IST)Updated: Fri, 09 Oct 2026 05:03 PM (IST)
surat-new-civil-hospital-staff-nurse-recruitment-2026-146-vacancies-approved-via-outsourcing

Surat News: ગાંધીનગર ખાતે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં સુરત નવી સિવિલ હોસ્પિટલની સ્વાસ્થ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.

અધિક નિયામક (તબીબી સેવાઓ અને શિક્ષણ) સાથે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નવી સિવિલ હોસ્પિટલ ખાતે સ્ટાફ નર્સ (વર્ગ-3)ની 146 ખાલી જગ્યાઓ પર માન્ય એજન્સી મારફતે આઉટસોર્સથી ભરતી કરવાની મંજૂરી આપવામાં આવી છે.

નવી સિવિલના વિવિધ વોર્ડમાં નર્સિંગ કેરની સુધારવા અને ક્રિટિકલ કેર સિસ્ટમને વધુ ઝડપી બનાવવા માટે મંજૂર થયેલી ખાલી જગ્યાઓ પર 146 નર્સિંગ સ્ટાફની આઉટસોર્સિંગથી તબીબી અધિક્ષક દ્વારા ત્વરિત ભરતી કરાશે.

નવી સિવિલના તબીબી અધિક્ષકે જણાવ્યું હતું કે, નર્સિંગ કેર એ દર્દીની સારવારની પાયાની જરૂરિયાત છે. હોસ્પિટલમાં આવતા દરેક દર્દીની યોગ્ય સંભાળ અને ઇમરજન્સી કેસોમાં ક્રિટિકલ કેર ઇમ્પ્રૂવ કરવા માટે પૂરતો નર્સિંગ સ્ટાફ અત્યંત આવશ્યક છે. આરોગ્ય મંત્રીના સકારાત્મક નિર્ણય અને માર્ગદર્શન હેઠળ મંજૂર થયેલી જગ્યાઓ પર આઉટસોર્સથી સ્ટાફ ઉપલબ્ધ થતાં વોર્ડમાં દર્દીઓની દૈનિક સેવા-શુશ્રૂષા વધુ ઝડપી અને ગુણવત્તાસભર બનશે.

વધુમાં તબીબી અધિક્ષકે જણાવ્યું હતું કે, નવી સિવિલ હોસ્પિટલમાં દરરોજની અંદાજિત 4500થી વધુ દર્દીઓ ઓપીડી, 1500થી વધુ ઇનડોર દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઈને, તેમજ 300થી વધુ ક્રિટિકલ કેર દર્દીઓ ઈમરજન્સી વિભાગમાં સારવાર મેળવે છે.

નર્સિંગ સ્ટાફની ભરતી થવાથી ઈમરજન્સી તેમજ ICU સહિત તમામ વોર્ડમાં ક્રિટિકલ કેર સિસ્ટમ મજબૂત થશે અને દર્દીઓને વધુ સંવેદનશીલ તેમજ સક્ષમ આરોગ્ય સેવાઓ પૂરી પાડી શકાશે. નર્સિંગ સ્ટાફની ભરતી થવાથી હોસ્પિટલના આઈસીયુ, મેડિકલ તેમજ સર્જિકલ વિભાગોમાં નર્સિંગ સ્ટાફની ક્ષમતા વધશે, જેનાથી સારવાર માટે આવતા દર્દીઓની દેખરેખ વધુ સક્ષમ બનશે.