Vadodara: 6 મહિનામાં નાણાં ડબલ કરવાની લાલચ આપી રૂ. 70 લાખથી વધુની ઠગાઈ, 3 વર્ષથી પોલીસને ચકમો આપતો ગઠિયો ઈન્દોરથી ઝબ્બે

વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમે 6 મહિનામાં પૈસા ડબલ કરવાની લાલચ આપીને 70 લાખથી વધુની ઠગાઈ આચરનાર મુખ્ય આરોપીને 3 વર્ષ બાદ ઈન્દોરથી ઝડપી પાડ્યો છે. જેણે સ્કાય ફૂડ એન્ડ ટ્રાવેલ્સ અને બીટ ટ્રેડ હોલ્ડિંગ કંપનીઓના નામ પર લોકોને ચુનો લગાવ્યો હતો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 09 Oct 2026 04:48 PM (IST)Updated: Fri, 09 Oct 2026 04:48 PM (IST)
vadodara-news-financial-fraud-accused-arrested-in-indore-for-70-lakh-scam

Vadodara News: 6 મહિનામાં નાણાં ડબલ કરી દેવાની લોભામણી સ્કીમ (Money double Scheme)આપી રૂ. 70 લાખથી વધુની રકમની ઠગાઈ આચરવાના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા-ફરતા મુખ્ય આરોપીને વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચે મધ્ય પ્રદેશના ઈન્દોર ખાતેથી ઝડપી પાડ્યો છે.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, વર્ષ 2017માં આરોપીઓએ સ્કાઈ ફુડ એન્ડ ટ્રાવેલ્સ કંપની અને ત્યારબાદ બીટ ટ્રેડ હોલ્ડિંગ કંપનીમાં નાણાં રોકવાથી તેમજ દરરોજ રૂ.800 જમા થવાની તથા 6 માસમાં રકમ બમણી થવાની લાલચ આપી હતી.

સુરતની TGB હોટલ ખાતે સેમિનાર યોજી કંપનીના બ્રોશર, વેબસાઈટ, વિદેશ પ્રવાસના હોલિડે પેકેજ તથા ગોલ્ડ અને ઓઈલમાં રોકાણની વાતો બતાવી ફરિયાદી અને સાક્ષીઓ પાસેથી તબક્કાવાર કુલ રૂ. 70.70 લાખની માતબર રકમ મેળવી લેવામાં આવી હતી.

રોકાણ કરાવ્યા બાદ શરૂઆતમાં દશેક દિવસ રૂપિયા જમા થયા પછી રકમ મળતી બંધ થઈ ગઈ હતી. આરોપીઓએ વચન મુજબનું વ્યાજ, બોનસ કે મુળ રકમ પરત ન આપી કોઈ પહોંચ કે લખાણ આપ્યા વગર પૂર્વઆયોજિત કાવતરું રચીને છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો હતો.

આ ગુનામાં હરણી પોલીસ સ્ટેશનમાં ઈ.પી.કો કલમ 406, 420, 120(બી) અને ગુજરાત પ્રોટેક્શન ઓફ ઈન્ટરેસ્ટ ઓફ ડિપોઝીટર્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. આ તપાસ દરમિયાન આરોપી પ્રફુલ્લ યોગેન્દ્ર બરગાલ (રહે. તાત્યા સરવટેનગર, ઈન્દોર) ધરપકડ ટાળવા ફરાર થઈ ગયો હતો.

ક્રાઈમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સ દ્વારા તપાસ હાથ ધરી હતી, જેમાં આરોપી મધ્ય પ્રદેશના ઈન્દોર જિલ્લાના ભાટકેડી સ્થિત લુનાવત કોસ્મોસ કોલોનીમાં આશ્રય લઈ રહ્યો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. ટીમે તુરંત ત્યાં પહોંચી, ખાનગી રાહે તપાસ અને વોચ ગોઠવીને આરોપી પ્રફુલ્લ બરગાલને ઝડપી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે આરોપીને હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે હરણી પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.