Vadodara News: દિલ્હીમાં 10 ઓક્ટોબરના રોજ વિપક્ષ તેમજ સીજેપી દ્વારા યોજાનારા વિશાળ વિરોધ પ્રદર્શનના એલાનને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવે દ્વારા મુસાફરોની સુરક્ષા અને સલામતીના ભાગરૂપે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિરોધ પ્રદર્શનના કારણે નવી દિલ્હી અને હઝરત નિઝામુદ્દીન તરફ જતી અનેક મુખ્ય ટ્રેનોને રદ કરવામાં આવી છે, જ્યારે કેટલીક મહત્વની ટ્રેનોના સમયમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. રેલવેના આ આકસ્મિક નિર્ણયના કારણે વડોદરા રેલવે સ્ટેશન પર દિલ્હી તરફ મુસાફરી કરનારા સેંકડો મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને સ્ટેશન પર જ અટવાઈ પડ્યા છે.
રેલવે પ્રશાસન દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ, દિલ્હી તરફ જતી મુખ્ય ટ્રેનો જેવી કે ઇન્દોર-નવી દિલ્હી એક્સપ્રેસ (12415), ઇન્દોર-નિઝામુદ્દીન એક્સપ્રેસ (09309) અને બાંદ્રા-નિઝામુદ્દીન એક્સપ્રેસ (12247) સંપૂર્ણપણે રદ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, ગુજરાતથી દિલ્હી જોડતી અતિ મહત્વની અમદાવાદ-નવી દિલ્હી સ્વર્ણ જયંતી રાજધાની એક્સપ્રેસ તેમજ સાબરમતી-નવી દિલ્હી એક્સપ્રેસ ટ્રેનોને પણ રદ કરવાનો નિર્ણય લેવાયો છે.
બીજી તરફ, મુંબઈ સેન્ટ્રલથી ઉપડીને વડોદરા થઈ દિલ્હી જતી પ્રખ્યાત રાજધાની એક્સપ્રેસ (12951 અને 12953) પોતાના નિર્ધારિત સમય કરતાં પાંચ કલાક જેટલી મોડી દોડશે. રેલવે અધિકારીઓના જણાવ્યા મુજબ, 10 ઓક્ટોબરે સવારે 4 વાગ્યાથી બપોરે 2 વાગ્યા દરમિયાન દિલ્હી પહોંચનારી તમામ ટ્રેનોના સંચાલન પર આ વિરોધ પ્રદર્શનની સીધી અસર જોવા મળશે.
હજુ પણ સ્થિતિને ધ્યાનમાં રાખીને વડોદરા પરથી પસાર થતી અન્ય કેટલીક દિલ્હીગામી ટ્રેનો રદ થાય અથવા તેમના રૂટ ટૂંકાવવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. વડોદરા રેલવે સ્ટેશન પર અચાનક ટ્રેનો રદ થવાના અને મોડી પડવાના સમાચાર મળતાં જ મુસાફરોમાં ભારે અફરાતફરી અને રોષનો માહોલ જોવા મળ્યો હતો. તહેવારો અને કામકાજના સમયે અચાનક મુસાફરી રદ થતાં લોકો હેરાન-પરેશાન થઈ ગયા છે.
રેલવે વિભાગે મુસાફરોને અપીલ કરી છે કે સ્ટેશન પર આવતા પહેલા ટ્રેનનું સ્ટેટસ ચકાસી લેવું અને સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવો. હાલ સ્ટેશન પર ઈન્ક્વાયરી કાઉન્ટર પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે.
