Surat: મચ્છર મારવાની દવાના નામે લાકડાનો ભુક્કો પધરાવી 8 વેપારીઓ સાથે ઠગાઈ, રૂ. 1.06 લાખના મુદ્દામાલ સાથે બે ગઠિયા ઝબ્બે

અડાજણ પોલીસે મચ્છર મારવાની દવાના નામે લાકડાનો વ્હેર વેચનારા બે ગઠિયાઓની ધરપકડ કરી છે. આ આરોપીઓએ સુરત ઉપરાંત ભરૂચ અને સેલવાસના 8 વેપારીઓને ચુનો લગાવ્યો હતો. પોલીસે તેમની પાસેથી મોબાઈલ, કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 08 Oct 2026 11:30 PM (IST)Updated: Thu, 08 Oct 2026 11:30 PM (IST)
surat-fraud-two-arrested-for-cheating-traders-by-selling-sawdust-as-mosquito-repellent


Surat News: છેતરપિંડી આચરતા ભેજાબાજો અવનવા કીમિયા અજમાવીને ઠગાઈ કરતા હોય છે, ત્યારે સુરતમાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં શહેર અડાજણ પોલીસે વેપારીઓને મચ્છર મારવાની દવાના ઓર્ડરના બદલે લાકડાનો ભુક્કો/વ્હેર પેકિંગ કરી આપી છેતરપીંડી કરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.

સુરતમાં એક ભોગ બનનાર વેપારીએ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે બાદ અડાજણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને આરોપી સતીશ મનોજ ગેહલોદ (33) અને રામક્રિષ્ણ ભરતભાઈ પાટીલને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 65 હજાર ફોરવ્હીલ, મોબાઈલ ફોન, અને 22 હજાર રોકડા રૂપિયા તેમજ મચ્છર મારવાના “NEXA Mosquito Repellent”ના 276 નંગ પેકેટો મળી કુલ 1.06 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.

પોલીસે આરોપીની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે આરોપીઓમાંથી એક આરોપી સતીશ ગેહલોત ગત 15-05-2026ના રોજ અડાજણ ખાતે આવેલી ભગવતી ટ્રેડર્સ નામની દુકાન ખાતે ગયો હતો અને ફરિયાદીને સેલ્સમેન તરીકેની ઓળખ આપી “NEXA Mosquito Repellent” નામની મચ્છર મારવાની દવા બતાવી આ દવાથી મચ્છર ભાગી જાય છે તેમ જણાવી એક દવાનું સેમ્પલ આપી ચાલ્યો ગયો હતો

જે બાદ સાંજના સમયે આરોપીનો સાગરીત રામક્રિષ્ણ પાટીલ ફરિયાદીની દુકાનમાં આવીને “NEXA Mosquito Repellent” નામની મચ્છર મારવાની દવાના 200 નંગ પેકેટનો ઓર્ડર મંગાવવાનું જણાવી ડિપોઝીટ પેટે 2 હજાર આપી ચાલ્યો ગયો હતો. જેથી ફરીયાદીએ આરોપી સતીશ ગેહલોત પાસેથી 200 નંગ પેકેટનો ઓર્ડર કરાવ્યો હતો, જે તે બીજા દિવસે આપી ગયો હતો. આ ઓર્ડરના 14 હજાર રૂપિયા લીધા હતા. જો કે ત્યારબાદ ફરિયાદીને જાણ થઇ હતી કે મંગાવ્યા મુજબના ઓર્ડરના બદલે પેકેટમાં લાકડાનો ભુક્કો/વ્હેર છે.

વધુમાં આરોપીઓએ કબુલાત કરી હતી તેઓએ વરાછા ખોડીયાર નગરમાં આવેલી શ્રી શ્યામ નોવેલ્ટી નામની દુકાનમાંથી 11,250, સચિન ખાતે ક્રિષ્ના નોવેલ્ટી નામની દુકાનમાંથી 11,250 ભેરૂનાથ પ્લાસ્ટિક નામની દુકાનમાંથી 11,250 પાંડેસરા પીયુષ પોઈન્ટ ખાતે આવેલી બીક્ષુ નોવેલ્ટી નામની દુકાનમાંથી 11,250 ભરૂચ ખાતે આવેલી પોલવાલ સ્ટેશનરી નામથી દુકાનમાંથી 13 હજાર તેમજ બાલાજી કરીયાણા નામની દુકાનમાંથી 7 હજાર આ ઉપરાંત અંકલેશ્વર ખાતે બ્રાહ્મણી પ્લાસ્ટિક નામની દુકાનમાંથી 18 હજાર અને સેલવાસ ખાતે માજીશા નામની દુકાનમાંથી 11 હજારની છેતરપીંડી કરી હતી

પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ સેલ્સમેન તરીકેની ઓળખ આપી દવા, અગરબત્તી જેવી વસ્તુઓની સેમ્પલ બતાવી દુકાનદારોને વિશ્વાસમાં લઇ સેમ્પલ આપે અને ત્યારબાદ બીજા આરોપી દ્વારા તે જ દવા, અગરબત્તી જેવી વસ્તુઓનો ઓર્ડર આપે અને ત્યારબાદ બંને સાગરીતોની મદદગારીથી આ દવાની બદલે લાકડાના ભુક્કા જેવી વસ્તુ વડે પેકિંગ કરી માલ આપી પૈસા લઇ પોતાના મોબાઈલ ફોન બંધ કરી છેતરપીંડી કરતા હતા