Kashtbin Project For Students: ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત જિલ્લા કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલના વિશેષ અભિગમ હેઠળ શરૂ કરાયેલા 'મિશન બાલમન' પ્રોજેક્ટ અંતર્ગત જિલ્લાની તમામ મોટી શાળાઓમાં અને કોલેજોમાં 'કષ્ટબિન' મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અનોખા પ્રોજેક્ટનો પ્રારંભ મોરારિ બાપુની વિશેષ ઉપસ્થિતિમાં ઝવેરચંદ મેઘાણી ઓડીટોરીયમ ખાતેથી કરવામાં આવ્યો હતો.
આ તકે મોરારિ બાપુએ આશીવચન પાઠવતા પદ્મશ્રી દુલા ભાયા કાગના દુહાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, 'એક રંગાને ઉજળા, જેને ભીતર બીજી ન ભાત, એને વાલી દવલી વાત, કહેજે દિલની કાગ. ‘કષ્ટબિન’ પણ એક એવી જ ‘એક રંગી અને ઉજળી’ પહેલ છે, જેમાં વિદ્યાર્થીઓ પોતાની અંદરની વાત નિઃસંકોચ રીતે વ્યક્ત કરી શકે છે.
આ પણ વાંચો
વધુમાં તેમણે જણાવ્યું કે, અનેક વિદ્યાર્થીઓ સંકોચ, શરમ કે અન્ય કોઈ કારણસર પોતાની મૂંઝવણ કે સમસ્યા માતા-પિતા, વડીલો, શિક્ષકો કે મિત્રો સમક્ષ જણાવી શકતા નથી. તેમના માટે આ 'કષ્ટબિન' માત્ર એક પેટી નથી, પરંતુ એક માધ્યમ અને એક સંવેદનશીલ વ્યવસ્થા છે.
વિદ્યાર્થીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી સમસ્યાઓનું યોગ્ય દોહન કરી નિષ્ણાતો દ્વારા તેનું નિરાકરણ લાવવામાં આવશે. જેના પરિણામે આપણી યુવા પેઢી માનસિક રીતે વધુ સ્વસ્થ અને સશક્ત બનશે.

મોરારી બાપુએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, તમારી જે કોઈ મૂંઝવણ હોય તે આ પેટીમાં આહુતિરૂપે નાખજો. આ એક યજ્ઞ છે. તમારી સામે યજ્ઞકુંડ છે અને તેમાં તમારી સમસ્યાઓને નિઃસંકોચ આહુતિ તરીકે અર્પણ કરજો. સંકોચ વિના પોતાની સમસ્યાઓ વ્યક્ત કરવામાં આવશે તો તેના પરિણામો જીવનમાં ખૂબ સુંદર આવી શકે છે.
આવા સમયે જિલ્લા કલેક્ટર દ્વારા હાથ ધરાયેલું આ પગલું એક યજ્ઞ સમાન છે. તેમણે વિદ્યાર્થીઓને પોતાની સમસ્યાઓ નિર્ભયતાથી વ્યક્ત કરવા અનુરોધ કરતાં જણાવ્યું હતું કે, આ યજ્ઞમાં અર્પણ કરવામાં આવેલી આહુતિનો પ્રસાદ પ્રસન્નતા અને સુખદ જીવનના રૂપમાં પ્રાપ્ત થાય તેવી શ્રદ્ધા અસ્થાને નથી.
કલેકટર ડૉ. મનીષ કુમાર બંસલે જણાવ્યું કે ‘મિશન બાલમન’ અંતર્ગત છેલ્લા એક વર્ષથી ભાવનગર જિલ્લામાં વિદ્યાર્થીઓ સાથે સાયકોલોજિસ્ટ, સાયકિયાટ્રિસ્ટ સહિતના નિષ્ણાતો દ્વારા સંવાદ કરવામાં આવી રહ્યો છે. આ દરમિયાન વિદ્યાર્થીઓને પોતાની સમસ્યા કે લાગણી કોઈની સામે વ્યક્ત કરવામાં સંકોચ અનુભવાતો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
-1791480715581.webp)
ખાસ કરીને માનસિક તકલીફ અંગે લોકો શું વિચારશે તેવા ભયના કારણે સમસ્યા વધુ ગંભીર બનતી હોય છે. આથી વિદ્યાર્થીઓ પોતાની વાત નિસંકોચ રજૂ કરી શકે તે હેતુથી શાળાઓમાં પારદર્શક 'કષ્ટબિન' મૂકવાનો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. તેમાં વિદ્યાર્થીઓ પોતાના મનની વાત લખીને રજૂ કરી શકશે.
વધુમાં તેમણે જણાવ્યું કે, સામસામે કે ફોન પર વાત કરતાં જે સંકોચ થાય છે તે લખીને વ્યક્ત કરવામાં ઓછો રહે છે, તેથી ‘કષ્ટબીન’ વિદ્યાર્થીઓ માટે પોતાની લાગણી અને સમસ્યા વ્યક્ત કરવાનું સુરક્ષિત માધ્યમ બની શકે છે. દર અઠવાડિયે અથવા જરૂરિયાત મુજબ તેમાં આવેલી ચિઠ્ઠીઓ ખોલી, વિદ્યાર્થીઓની વાતને ગોપનીયતા સાથે સાંભળવી અને શાળાના સ્તરે ઉકેલ શક્ય હોય તો તે અંગે માર્ગદર્શન આપવું જોઈએ.
-1791480749859.webp)
જરૂર જણાય તો વાલીઓ સાથે વાતચીત કરી તેમજ સાયકોલોજિસ્ટ કે સાયકિયાટ્રિસ્ટની મદદ લેવી જોઈએ. તેમણે જણાવ્યું કે, માનસિક સ્વાસ્થ્યની સમસ્યા કોઈ અસામાન્ય બાબત નથી અને ડિપ્રેશન કે એન્ઝાયટી જેવી સમસ્યાઓમાં નિસંકોચ નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. 'મિશન બાલમન'ને મળેલા સારા પ્રતિસાદના આધારે ‘કષ્ટબિન’નું આ બીજું મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.
‘કષ્ટબિન’ ખાલી ન રહે તે માટે શિક્ષકો અને આચાર્યો પોતે પણ કષ્ટની ચિઠ્ઠી નાખે
આ તકે ડૉ. નિમિત્ત ઓઝાએ ‘કષ્ટબિન’ પહેલને વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને તેમની સમસ્યાઓના નિરાકરણ માટે મહત્વપૂર્ણ માધ્યમ ગણાવતા જણાવ્યું હતું કે, શાળાના આચાર્ય અને શિક્ષકોએ શરૂઆતની ચિઠ્ઠીઓ પોતે નાખવી જોઈએ, જેથી વિદ્યાર્થીઓમાં પણ પોતાની સમસ્યા વ્યક્ત કરવાની હિંમત વધે. કષ્ટબિન ખાલી રહે તો વિદ્યાર્થી સંકોચ અનુભવે છે, જ્યારે તેમાં ચિઠ્ઠીઓ વધતી જાય ત્યારે અન્ય વિદ્યાર્થીઓને પણ પોતાની મૂંઝવણ રજૂ કરવાની પ્રેરણા મળે છે.
તેમણે ભૂતાનની ટાઈગરનેસ મોનેસ્ટ્રી સુધીની મુશ્કેલ ચઢાણનો પ્રસંગ સંભળાવી સમજાવ્યું હતું કે, જીવનમાં ટેકાની જરૂરિયાતનો સાચો અનુભવ એ જ વ્યક્તિ કરી શકે છે જેણે પોતે પીડા અનુભવી હોય. તેમણે ‘ધ બોય, ધ મોલ, ધ ફોક્સ એન્ડ ધ હોર્સ’ પુસ્તકનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, કોઈની મદદ માંગવા માટે ‘Help’ કહેવું પણ ઘણી વખત હિંમત માંગી લે છે.

વિદ્યાર્થીના વર્તનમાં રમવાની કે જીવવાની ઇચ્છા ન થવી, ભણવામાં ધ્યાન ન લાગવું, સતત ઉદાસ રહેવું, રડવું કે ભાગી જવાની ઇચ્છા થવી જેવા સંકેતો પાછળ કોઈ સમસ્યા હોઈ શકે છે તેમ જણાવી ડૉ. ઓઝાએ વાલીઓ અને શિક્ષકોને વિદ્યાર્થીઓને માત્ર માર્ક્સ, પરીક્ષા અને હોમવર્ક અંગે પ્રશ્નો પૂછવાને બદલે “તું કેમ છે?”, “તારો દિવસ કેવો ગયો?”, “તને કોઈ હેરાન તો નથી કરતું ને?” જેવા પ્રશ્નો પૂછવા અનુરોધ કર્યો હતો.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “સંવાદ એ જ સારવાર છે.” વિદ્યાર્થી પોતાની મુશ્કેલી સ્વીકારે, તેને વ્યક્ત કરે અને જરૂર પડે ત્યારે શિક્ષક, વાલી કે નિષ્ણાતની મદદ લે તે જરૂરી છે.
કષ્ટબિનમાં સમસ્યા રજૂ કર્યા બાદ પણ ઉકેલ ન આવે તો વિદ્યાર્થીએ આચાર્ય કે શિક્ષકનો સંપર્ક કરવો જોઈએ. તેમણે વિદ્યાર્થીઓને અભ્યાસ ઉપરાંત કોઈ એક રમત કે કલા સાથે જોડાયેલા રહેવા પણ અનુરોધ કર્યો હતો, કારણ કે રમત-ગમતથી હાર, નિષ્ફળતા, અસ્વીકાર અને નિરાશાને સ્વીકારવાની ક્ષમતા વિકસે છે.
વિદ્યાર્થીઓની વાત સાંભળવા અને તેમની મૂંઝવણો સમજવા માટે ‘કષ્ટબિન’ અસરકારક પહેલ
વક્તા નેહલબેન ગઢવીએ જણાવ્યું હતું કે, કષ્ટભંજન દેવની સાધના કરતા બાપુના પવિત્ર હસ્તે ‘કષ્ટબિન’નું ઉદ્ઘાટન થયું છે, ત્યારે આ પહેલ વધુ આગળ વધશે તેવી શ્રદ્ધા છે. તેમણે જણાવ્યું કે, વિદ્યાર્થીઓ પોતાની અંગત તકલીફો, મૂંઝવણો કે માનસિક સંઘર્ષ સરળતાથી વ્યક્ત કરી શકે તે માટે ‘કષ્ટબિન’ મહત્વપૂર્ણ માધ્યમ બની શકે છે. શાળામાં દિવસની શરૂઆતમાં શિક્ષકો દ્વારા બે-ત્રણ મિનિટ પુસ્તક વાંચન અથવા નવી વાતચીત કરવામાં આવે તો વિદ્યાર્થીઓને જીવન સાથે જોડાયેલી બાબતો સમજવામાં મદદ મળે છે.

માનસિક તકલીફ પણ શરીરની અન્ય તકલીફોની જેમ સ્વીકારવાની બાબત છે અને મદદ માંગવી એ નબળાઈ નહીં પરંતુ હિંમતની નિશાની છે. કષ્ટબિનમાં કોઈ વિદ્યાર્થી પોતાની સમસ્યા રજૂ કરે ત્યારબાદ તેની મજાક કે ઉપહાસ ન થાય અને તેની વાત ગુપ્ત રાખવામાં આવે તે અંગે પણ તેમણે ખાસ ભાર મૂક્યો હતો.
વિદ્યાર્થીઓને પોતાની તકલીફો ખુલ્લા મને વ્યક્ત કરવા તેમજ રમત-ગમત, કલા અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહેવા અપીલ કરતાં તેમણે જણાવ્યું હતું કે, જીવનમાં મુશ્કેલીઓ આવતી રહે છે, પરંતુ યોગ્ય સમયે સંવાદ, સહકાર અને માર્ગદર્શન મળે તો તેમાંથી બહાર આવી શકાય છે.
